કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ લાવવામાં આવેલા કાયદા સામે ટ્રક અને ડમ્પર ચાલકોએ આજે બીજા દિવસે પણ વિરોધ ચાલુ રાખતા અનેક જગ્યાઓ હાઈવે પર ચક્કાજામ કર્યો છે જેના કારણે વાહનવ્યહાર પર પણ અસર પડી રહી છે. ડ્રાઇવરો ટ્રક મુકીને જઇ રહ્યાં છે. ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, પંજાબ, ઉત્તરાખંડમાં સ્થિતિ બગડી ગઇ છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે દેશભરના ટ્રાન્સપોર્ટ યૂનિયનોની બેઠક બોલાવી છે, જેમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન કાયદાનો દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો વિરોધ કરી રહ્યા છે જેનો આજે બીજો દિવસ છે ત્યારે મુંબઈ, ઈન્દોર, દિલ્હી-હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ટ્રક ચાલકો દ્વારા ઠેર-ઠેર ચક્કાજામ કરવામાં આવ્યો છે જેના કારણે વાહનવ્યવહાર પર પણ અસર જોવા પડી રહી છે. ટ્રક ચાલકોમાં આ કાયદાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓનું કહેવું છે કે આ સંપૂર્ણપણે ખોટું છે અને સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે.
ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધ્યક્ષ અમૃતલાલ મદાને જણાવ્યું કે ટ્રાન્સપોર્ટ યૂનિયન ડ્રાઇવરોના સમર્થનમાં આવી ગઇ છે. અમૃતલાલ મદાને જણાવ્યું કે વર્તમાન સમયમાં 95 લાખ કરતા વધુ ટ્રક રજિસ્ટર્ડ છે જેમાંથી 70 લાખ ટ્રક એક સમયે રોડ પર ચાલે છે જેમાંથી 30થી 40 ટકા ટ્રક રસ્તામાં ઉભા થઇ ગયા છે. એક સાથે ચાલનારા 70 લાખ ટ્રકમાંથી 25 લાખ કરતા વધુ ટ્રકના પૈડા થંભી ગયા છે. ટ્રક ડ્રાઇવરોની હડતાળને કારણે જરૂરી સામાનનો સપ્લાય પણ થંભી ગયો છે.