બગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના વર્ષ ૧૯૯૯ના એક ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી તેને ઢોર માર મારવાના બનાવમાં પોલીસ કોન્સ્ટેબલને મહુવાની અદાલતે કસુરદાર ઠેરવી ચાર માસની સાદી કેદની સજાનો આદેશ કરી રૂા.૫૦૦નો દંડ ફટકાર્યો હતો. આ ચૂકાદામાં અદાલતે નોંધ્યું હતું કે, ગુનો નોંધાય તે પહેલા જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને નિયમ પ્રમાણે ૨૪ કલાકમાં અદાલતમાં પણ રજૂ કરાયો નથી અને પુરાવા જાેતા આરોપી (હાલના ફરિયાદી)ને કોન્સ્ટેબલે માર માર્યો હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યું છે.
કેસની વિગત એવી છે કે, તત્કાલીન સમયે બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સમરથદાને દુષ્કર્મના ગુનામાં બકાભાઇ નામના આરોપીની ધરપકડ કરી હતી અને તેને લાકડીથી તેમજ ગડદાપાટુનો ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા બકાભાઇએ કોર્ટમાં જ્યુ.મેજિસ્ટ્રેટ સમક્ષ તેને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ કરી હતી.
આ ચકચારી પ્રકરણમાં કોર્ટે ગુનો દાખલ કરવાનો આદેશ કર્યા બાદ આ અંગેનો કેસ મહુવાની એડી.ચીફ જ્યુ.મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે તત્કાલિન પોલીસ કોન્સ્ટેબલ સમરથદાનને આઇપીસીની કલમ ૩૨૩ના ગુનામાં કસુરદાર ઠેરવી ચાર માસની સાદી કેદની સજા અને ૫૦૦ દંડ ફટકારી સીઆરપીસની કલમ ૩૫૭ મુજબ વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.
આ કેસમાં ફરિયાદી પક્ષે રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીને દાખલો બેસે તેવી સજા કરવી જાેઇએ. જ્યારે બચાવ પક્ષે રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી હાલ નિવૃત્ત છે અને પેરાલિસીસથી પિડાય છે ત્યારે તેમને ઓછામાં ઓછી સજા કરવામાં આવે. અદાલતે નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ પેરાલિસીસથી પિડાતા હોય ચાર માસની સાદી કેદની સજા કરી હતી તેમ જાણવા મળ્યું છે.