સુખદેવ ગોગામેડી હત્યા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ ગોગામેડીની હત્યાના કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે રાજસ્થાન અને હરિયાણામાં 31 સ્થળો પર દરોડા પાડ્યા છે. ગયા મહિને જ ગૃહ મંત્રાલયે આ હત્યાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી હતી. આ તરફ NIAએ આરોપીઓની પૂછપરછ પણ કરી છે. પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે આજે આ દરોડા પાડવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ હત્યામાં ગેંગસ્ટરની સંડોવણી હોવાને કારણે કેસ NIAને સોંપવામાં આવ્યો હતો. 5 ડિસેમ્બરે ગોગામેડીને જયપુરમાં તેમના ઘરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી ગેંગસ્ટર રોહિત ગોદારાએ લીધી હતી, જે ભારતમાંથી ફરાર હતો. રોહિત ગોદારા લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે. થોડા મહિના પહેલા રોહિત ગોદારાએ સુખદેવસિંહ ગોગામેડીને દુબઈના નંબર પરથી ફોન કરીને ધમકી આપી હતી.