આ વર્ષે રાજ્યસભાના 68 સાંસદો સહિત 9 કેન્દ્રીય મંત્રીઓ નિવૃત્ત થશે. જેના કારણે રાજકીય પક્ષોમાં પોતાના નેતાઓને ઉપલા ગૃહમાં મોકલવા રાજકીય પ્રયાસો તેજ થયા છે. આ 68 ખાલી જગ્યાઓમાંથી દિલ્હીની ત્રણ સીટો માટે ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે.
આમ આદમી પાર્ટીના સંજય સિંહ, નારાયણ દાસ ગુપ્તા અને સુશીલ કુમાર ગુપ્તાનો કાર્યકાળ 27 જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે. સિક્કિમમાં રાજ્યસભાની એકમાત્ર બેઠક માટે પણ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે જ્યાં સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF)ના સભ્ય હિશે લાચુંગપા 23 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે.
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ સહિત 57 નેતાઓનો કાર્યકાળ એપ્રિલમાં પૂરો થશે. ચાર નામાંકિત સભ્યોમાં ભાજપના મહેશ જેઠમલાણી, સોનલ માનસિંહ, રામ સકલ અને રાકેશ સિન્હાનો કાર્યકાળ જુલાઈમાં પૂર્ણ થશે.ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 10 બેઠકો ખાલી પડી રહી છે. આ પછી મહારાષ્ટ્ર અને બિહારમાં છ-છ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પાંચ-પાંચ, કર્ણાટક અને ગુજરાતમાં ચાર-ચાર, ઓડિશા, તેલંગાણા, કેરળ અને આંધ્રપ્રદેશમાં ત્રણ-ત્રણ, ઝારખંડ અને રાજસ્થાન અને ઉત્તરાખંડમાં બે-બે બેઠકો. હિમાચલ પ્રદેશ, હરિયાણા અને છત્તીસગઢમાં એક-એક સીટ ખાલી થવાની છે.
નિવૃત્ત થનારા સાંસદોમાં મનમોહન સિંહ અને ભૂપેન્દ્ર યાદવ (રાજસ્થાન), અશ્વિની વૈષ્ણવ, બીજેડીના સાંસદો પ્રશાંત નંદા અને અમર પટનાયક (ઓડિશા), ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ બલુની (ઉત્તરાખંડ), ગુજરાતમાંથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા તેમજ કોંગ્રેસના નારણભાઈ રાઠવા અને અમી યાજ્ઞિકના નામનો સમાવેશ થાય છે.
વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન, MSME મંત્રી નારાયણ રાણે, પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, કોંગ્રેસના સભ્ય કુમાર કેતકર, NCP સભ્ય વંદના ચવ્હાણ અને શિવસેના (UBT) સભ્ય અનિલ દેસાઈ મહારાષ્ટ્રમાંથી નિવૃત્ત થઈ રહ્યાં છે.
મધ્યપ્રદેશના ધર્મેન્દ્ર પ્રધાન, માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગન, ભાજપના સાંસદો અજય પ્રતાપ સિંહ અને કૈલાશ સોની તેમજ કોંગ્રેસના સાંસદ રાજમણિ પટેલ સંસદના ઉપલા ગૃહમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. કર્ણાટકમાંથી ભાજપના રાજીવ ચંદ્રશેખર અને કોંગ્રેસના એલ હનુમંથૈયા, જીસી ચંદ્રશેખર અને સૈયદ નાસિર હુસૈનનું નામ સામેલ છે.