બિલકિસ બાનો કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો સંભળાવવામાં આવશે. બિલકિસ બાનો કેસના દોષીઓની મુક્તિ મામલે સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. ઓગસ્ટ, 2022માં ગુજરાત સરકારે બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. ગુનેગારોની મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. આ અંગે આજે નિર્ણય આવી શકે છે.
જસ્ટિસ બીવી નાગરત્નાઅને જસ્ટિસ ઉજ્જલ ભુયનની બેંચ આ અંગે ચુકાદો આપશે. ખંડપીઠે ગયા વર્ષે 12 ઓક્ટોબરે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસની કોર્ટમાં સતત 11 દિવસ સુધી સુનાવણી ચાલી હતી. દરમિયાન, કેન્દ્ર અને ગુજરાત સરકારે ગુનેગારોની સજા માફી સંબંધિત મૂળ રેકોર્ડ રજૂ કર્યા હતા. જણાવી દઈએ કે, ગુજરાત સરકારે દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુનેગારોની સમય પહેલા મુક્તિ પર પણ સવાલો ઊઠાવ્યા હતા. જો કે, કોર્ટે એમ પણ કહ્યુ હતું કે, તે સજા માફીના વિરોદ્ધમાં નથી. પરંતુ, તે સ્પષ્ટ કરવું જોઈએ કે દોષિત કેવી રીતે માફી માટે લાયક બન્યા?