જાણીતા શાયર મુનવ્વર રાણાનું હાર્ટ એટેક આવતા નિધન થયું છે. તે કેટલાક દિવસથી બીમાર હતા. લખનૌની પીજીઆઇમાં તેમની સારવાર ચાલતી હતી. 9 જાન્યુઆરીએ સ્વાસ્થ્ય બગડતા તેમણે આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુનવ્વર રાણાનું 71 વર્ષથની વયે નિધન થયુ હતું. મુનવ્વરને કિડની અને હાર્ટ સંબંધી કેટલીક સમસ્યાઓ હતી.
મુનવ્વર રાણાની દીકરી સુમૈયાએ જણાવ્યુ કે તેમના પિતાનું રવિવાર મોડી રાત્રે હોસ્પિટલમાં નિધન થયું છે. મુનવ્વરના પરિવારમાં તેમના પત્ની, ચાર દીકરી અને એક દીકરો છે. મુનવ્વર રાણાના પુત્ર તબરેજે જણાવ્યુ કે બીમારીને કારણે 15 દિવસથી તે હોસ્પિટલમાં દાખલ હતા.
મુનવ્વર રાણા જાણીતા શાયર અને કવિ હતા. ઉર્દૂ સિવાય હિન્દી અને અવધી ભાષામાં તે લખતા હતા. મુનવ્વર રાણાએ કેટલીક અલગ અલગ શૈલીમાં પોતાની ગઝલો પ્રકાશિત કરી છે, તેમણે ઉર્દૂ સાહિત્ય માટે 2014નો સાહિત્ય એકેડમી પુરસ્કાર અને 2012માં શહીદ શોધ સંસ્થા દ્વારા માટી રતન સમ્માનથી સમ્મનિત કરવામાં આવ્યા હતા. એક વર્ષ પછી તેમણે એકેડમી પુરસ્કાર પરત કર્યો હતો. સાથે જ અસહિષ્ણુતાને કારણે ક્યારેય પણ સરકારી પુરસ્કાર ના સ્વીકારવાના સોગંધ ખાધા હતા.