માલદીવે ભારતને 15 માર્ચ સુધીમાં સૈનિકો પાછા ખેંચવા કહ્યું છે. ચીનની પાંચ દિવસની મુલાકાત બાદ આક્રમક વલણ દાખવી રહેલા રાષ્ટ્રપતિ મુઈઝુએ કહ્યું છે કે આ તેમની સરકારની નીતિ છે. ભારતે બે મહિનામાં પોતાના 88 સૈનિકોને પાછા ખેંચવા પડશે.
ચીનથી પરત ફર્યા બાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ કડક વલણ દાખવી રહ્યા છે. એક દિવસ અગાઉ નામ લીધા વિના આ ટિપ્પણી કરનાર મુઈઝુએ ભારતને 15 માર્ચ સુધીમાં માલદીવમાં તૈનાત તેના સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચવા કહ્યું છે. લગભગ બે મહિના પહેલા રાષ્ટ્રપતિ બન્યા બાદ મુઈઝુએ માલદીવમાં તૈનાત અન્ય દેશોના સૈનિકોને હટાવવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના ચૂંટણી પ્રચારમાં ઈન્ડિયા આઉટ જેવા સ્લોગન પણ આપ્યા હતા. એક દિવસ પહેલા, તેમણે ભારતનું નામ લીધા વિના કહ્યું હતું કે માલદીવને ધમકી આપવાનો કોઈ દેશને અધિકાર નથી.
માલદીવના એક વરિષ્ઠ સરકારી અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ મુઇઝુએ ભારતને ઔપચારિક રીતે 15 માર્ચ સુધીમાં તેના સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચી લેવા જણાવ્યું છે. સનઓનલાઈન અખબારના અહેવાલ મુજબ, મુઈઝુના કાર્યાલયના સચિવ અબ્દુલ્લા નાઝીમ ઈબ્રાહિમે કહ્યું, ‘ભારતીય સૈન્ય કર્મચારીઓ માલદીવમાં રહી શકે નહીં. રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઈઝુ અને આ સરકારની આ નીતિ છે. તાજેતરના સરકારી ડેટા અનુસાર માલદીવમાં 88 ભારતીય સૈન્ય કર્મચારીઓ છે.
ભારતીય હાઈ કમિશનરની હાજરીમાં પ્રથમ બેઠક
પીટીઆઈના અહેવાલ મુજબ, માલદીવ અને ભારતે સૈનિકો પાછા ખેંચવા અંગે ચર્ચા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય કોર ગ્રૂપની રચના કરી છે. તેની પ્રથમ બેઠક રવિવારે સવારે માલે ખાતેના વિદેશ મંત્રાલયના મુખ્યાલયમાં યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય હાઈ કમિશનર મુનુ મહાવર પણ હાજર હતા. પ્રમુખ મુઇઝુના કાર્યાલયના સચિવ અબ્દુલ્લા નાઝીમ ઇબ્રાહિમે પણ મીટિંગની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે મીટિંગનો એજન્ડા 15 માર્ચ સુધીમાં સૈનિકોને પાછા ખેંચવાનો અનુરોધ હતો. ભારત સરકારે હજુ સુધી આ મીડિયા રિપોર્ટને સમર્થન આપ્યું નથી કે સમગ્ર ઘટના પર કોઈ ટિપ્પણી કરી નથી.