વડોદરામાં હરણી તળાવમાં હોડી પલટવાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. વડોદરાના વાઘોડીયાની ન્યુ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હરણી તળાવની હોડીમાં સવાર હતા ત્યારે બોટ દુર્ઘટનામાં એક પુત્રી ગુમાવી અને બીજી દીકરી બચી ગઇ હતી. સયાજી હોસ્પિટલમાં પોતાની દીકરી પાસે બેસેલી તેની માતા કંઇ પણ વાત કરવાની હાલતમાં નહોતી
સયાજી હોસ્પિટલમાં પોતાની દીકરી પાસે બેસેલી તેની માતા કંઇ પણ વાત કરવાની હાલતમાં નહોતી
સન રાઇઝ સ્કૂલમાં ભણતી બે સગી બહેનો સુફિયા અને સકીના પણ પ્રવાસમાં ગઇ હતી. બોટ ઉંધી વળી જતા બંને બહેનો પાણીમાં ડૂબી ગઇ હતી. બંને બહેનોને તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. પરંતુ, નાની બહેન સકીનાનો જીવ બચી શક્યો નહતો. જ્યારે મોટી બહેન સુફિયાને સારવાર માટે બેભાન હાલતમાં સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તેની સારવાર તરત શરૃ કરી દીધી હતી. છાતીમાં ભરાઇ ગયેલું પાણી બહાર કાઢી એમ.આઇ.સી.યુ.માં તેને દાખલ કરવામાં આવી હતી.
ડોક્ટરે જણાવ્યું હતું કે, બાળકીના ચેસ્ટનો એક્સરે ક્લિયર આવ્યો છે. તેના ફેફસામાં ભરાયેલું પાણી બહાર નીકળી ગયું છે. હવે તે ખતરાથી બહાર છે. લગભગ ત્રણ કલાક પછી બાળકી ભાનમાં આવી હતી. અને થોડા સમય પછી તે સ્વસ્થ જણાતી હતી. પરંતુ, ભાનમાં આવતાની સાથે જ તેનો પહેલો પ્રશ્ન એક જ હતો કે, મારી બહેન ક્યાં છે ? સુફિયાની માતા પણ ભારે આઘાતમાં હતી કારણકે તેમણે એક પુત્રી ગુમાવી હતી. જ્યારે બીજી દીકરીનો જીવ બચી ગયો હતો.
ઘટનાએ 31 વર્ષ પહેલાંની સૂરસાગરની ઘટનાની યાદ અપાવી
11 ઓગસ્ટ, 1993ના દિવસે જન્માષ્ટમીના તહેવારોમાં વડોદરાના સૂરસાગર તળાવમાં બોટિંગ ચાલી રહ્યું હતું. ત્યારે પણ આવી જ ઘટના બની હતી. 20 વ્યક્તિ બેસી શકે તેટલી ક્ષમતાની બોટમાં 38 લોકોને બેસાડ્યા હતા. બોટ ઊંધી વળી જતાં 22 લોકોનાં મૃત્યુ થયાં હતાં. પણ કરુણતા એ હતી કે 17-17 વર્ષ સુધી કેસ ચાલ્યો. કારણ કે વડોદરા મહાનગરપાલિકા દોષનો ટોપલો કોન્ટ્રાક્ટર પર ઢોળતી હતી. સામાજિક કાર્યકર પી. વી. મુરજાણીની 17 વર્ષની લડત બાદ મૃતકોનાં પરિવારજનોને વ્યાજ સાથે 1.39 કરોડ રૂપિયા ચૂકવવાનો પાલિકાને હુકમ કરાયો હતો.