અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ ગુજરાત સહિત દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. ત્યારે અમદાવાદ સહિત ઠેર ઠેર જગ્યાએ સાંજ ઢળતા ઘરે ઘરે દીવડાની જ્યોત પ્રજવલ્લિત થઈ જેના પગલે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના નિવાસ્થાને દીપ પ્રાગટ્ય કર્યું હતુ.
ભગવાન રામજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું હતું. ગુજરાતે પીએમના આહવાનને હર્ષોલ્લાસ સાથે ઝીલી લઇ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સંધ્યા સમયે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણાં કર્યા હતા. રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓના નિવાસ સંકુલમાં પણ દિવડા પ્રગટાવીને અયોધ્યા મંદિરમાં રામલલ્લાના બિરાજમાન થવાના ઉમંગ અવસરની રામ જ્યોત પ્રજ્વલિત કરીને ઉજવણી કરવામાં આવી હતી.