રખડતા ઢોરો, બિસ્માર રસ્તા, ગેરકાયદે પાર્કિંગ અને ટ્રાફિક સહિચની સમસ્યાઓના મુદ્દે હાઈકોર્ટ સમક્ષ થયેલી કન્ટેમ્ટ પિટિશનની સુનવણીમાં હાઈકોર્ટે શહેરમાં વકરી રહેલી ટ્રાફિકની બહુ જટિલ સમસ્યા, ગેરકાયદે પાર્કિંગ અને જાહેર રસ્તા-ફુટપાથ પર દબાણોની સ્થિતિને લઈ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે એક તબક્કે માર્મિક ટકોર સાથે વેધક સવાલ કર્યો હતો કે, ચીફ જસ્ટિસના બંગલાની સામે જ ગેરકાયદેસર પાર્કિંગ હોય છે, પણ પોલીસ શું કરે છે?
જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ નિશા એમ.ઠાકોરની ખંડપીઠે પોલીસ અને અમ્યુકો સત્તાવાળાઓને સ્પષ્ટ સંદેશો આપ્યો હતો, કે ગમે તે થાય પણ શહેરમાં ટ્રાફિકની જટિલ સમસ્યા, ગેરકાયદે પાર્કિંગ, રસ્તા, ફુટપાછ પરના દબાણો દૂર કરવા સહિતની બાબતે હાઈકોર્ટે અગાઉ જારી કરેલા ચુકાદાઓનું પાલન તો કરવું પડશે.
હાઈકોર્ટે વધુમાં પોલીસના વર્તનને લઈને પણ બહુ ગંભીર ટકોર કરી હતી કે, પોલીસ હકીકતમાં સત્તા અને ઓથોરીટી જોઈને જ સીધી ચાલે છે, બાકી સામાન્ય નાગરિકોના કેસમાં તેઓ કંઈ કરતા નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સાદી કારમાં જાય તો પોલીસના વર્તનનો તેમનો અનુભવ જુદો છે, અને જ્યારે જજ તરીકેની કારમાં જતા હોય ત્યારે પોલીસ એકદમ ઉભી થઈ જાય છે તે વખતનો અનુભવ અલગ છે. પોલીસે તેની ફરજ અને જવાબદારી સુપેરે અદા કરવી જોઈએ.
અરજદાર પક્ષ તરફથી એડવોકેટ અમિત પંચાલે અદાલતને જણાવ્યું કે અગાઉ શારદા સહકારી મંડળીના કેસમાં હાઈકોર્ટે 2006માં ચુકાદાઓ જાહેર કરેલા છે અને એ પછી 2017માં પણ હાઈકોર્ટની ખંડપીઠે રખડતા ઢોરના ત્રાસ નિવારણ, ટ્રાફિકની સમસ્યા નિવારણ, ગેરકાયદે પાર્કિંગ અને જાહેર રસ્તા તેમજ ફુટપાથ પરથી પાથરણાવાળા, લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કરવા અને રસ્તા ખુલ્લા કરવા તેમજ ફુટપાથ રાહદારીઓને ચાલવા માટે ઉપલબ્ધ બનાવવા સહિતના મુદ્દે મહત્ત્વના ચુકાદાઓ અને માર્ગદર્શિકા જાહેર કરેલા છે,પરંતુ તેનો આજ દીન સુધી અસરકારક અમલ થયો નથી.
હાઈકોર્ટ કહે અને અકારું વલણ અપનાવે એટલે પાંચ-સાત દિવસ બધી કાર્યવાહીનું નાટક ચાલે અને પછી બધું જૈસે થે જેવી સ્થિતિ થઈ જાય છે. ચૂંકમાં સત્તાવાળાઓની કામગીરી સ્મશાન વૈરાગ્ય જેવી ચે. હાઈકોર્ટ વાંરવાર હુકમો કરે છે અને નિર્દેશો કરે છે, પરંતુ જમીની હકીકત પર તેનું કોઈજ પાલન થતું નથી.