ઓસ્ટ્રેલિયામાં ચાર ભારતીયોના ડૂબી જવાથી મોત થયા છે. મૃત્યુ પામેલા લોકો એક જ પરિવારના હતા અને ફિલિપ આઇલેન્ડ પર રજાઓ ગાળવા આવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય હાઈ કમિશને આ માહિતી આપી છે. મૃત્યુ પામેલા લોકોમાં ત્રણ લોકોની ઉંમર 20 વર્ષની આસપાસ હતી જ્યારે એક મહિલાની ઉંમર 40 વર્ષની આસપાસ હતી.
ભારતીય હાઈ કમિશને સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું, ઓસ્ટ્રેલિયામાં હૃદયદ્રાવક દુર્ઘટના બની છે. વિક્ટોરિયાના ફિલિપ આઇલેન્ડ પર ચાર ભારતીયોના ડૂબી જવાથી મોત થયા છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના. હાઈ કમિશન પીડિત પરિવારના સંપર્કમાં છે અને તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘટના 24મી જાન્યુઆરીની છે. પોલીસે જણાવ્યું કે તેમને લગભગ 3.30 વાગ્યે ફિલિપ આઇલેન્ડ પર લોકોના ડૂબવાની માહિતી મળી હતી. માહિતી મળતા રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્રણ મહિલાઓ અને એક યુવકને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ પછી તમામને CPR આપીને ભાનમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્રણને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.