દેશભરમાં 75મા પ્રજાસત્તાક દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ગણતંત્ર દિવસ પર દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડમાં 16 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગની 9 ઝાંખી મળીને કુલ 25 ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.
પ્રજાસત્તાકની પરેડમાં ચંદ્ર પર પહોંચવાની ISROની સફળતાની ઝલક પણ પરેડનો એક ભાગ બની હતી. ISROએ ચંદ્રયાન-3ની એક ઝાંખી નિકાળી હતી. જેમાં વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાન કર્તવ્ય પથ પર ચાલતા જોવા મળ્યા હતા. આ ઝાંખીમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર રોવર પ્રજ્ઞાનનું લેન્ડિંગનું ફોકસમાં બતાવવામાં આવ્યું હતું. ઈસરોના મિશન ચંદ્રયાન-3ની ઝાંખીમાં આઠ મહિલા વૈજ્ઞાનિકો હતી. રોવર પ્રજ્ઞાનને આ લેન્ડર વિક્રમથી અલગ થતો બતાવવામાં આવ્યો છે. આ સાથે, ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1 અને આગામી માનવ અવકાશ મિશન ગગનયાન પણ ટેબ્લોમાં બતાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે, 23 ઓગસ્ટ 2023ના દિવસે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બન્યો છે. આ સફળતા સાથે ભારત ચંદ્ર પર ઉતરનાર ચોથો દેશ બની ગયો હતો.
વડાપ્રધાન મોદીએ સવારે વોર મેમોરિયલ પર પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. જે બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું કર્તવ્ય પથ પર સ્વાગત કર્યું હતું. દ્રૌપદી મુર્મુ તિરંગો ફરકાવ્યો હતો.