યાત્રાધામ સોમનાથમાં તંત્ર દ્વારા બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સોમનાથ મંદિર નજીકના મુખ્ય માર્ગ પર 144થી વધુ પાથરણાવાળાઓ અને લારી-ગલ્લાઓને તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે દૂર કર્યા હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર આસપાસ સરકારી જમીનો પરના અનઅધિકૃત દવાણો દૂર કરવા માટે ગઈકાલથી તંત્રએ જડબેસલાક પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે.
અંદાજે ત્રણ હેક્ટર જેટલી વિશાળ જગ્યા પરના 21 મકાનો અને 145 ઝુંપડાઓ મળી 175 જેટલા વર્ષો જુના દબાણોને દૂર કર્યા હતા. આજે વહેલી સવારથી સોમનાથ મંદિરના જે મુખ્ય પ્રેવેશ માર્ગ એવા શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધીના મુખ્યમાર્ગ પર લારી-ગલ્લાવાળા અને પાથરણા વાળા ઓને દૂર કરવામાં આવ્યા છે. આ અંગે વિભાગીય પોલીસ અધિકારી વી.આર.ખેંગારે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા ગઈકાલે 144 જેટલા દબાણ ધારકોને નોટિસો આપવામાં આવી હતી. આજે વહેલી સવારે પોલીસના જડબેસલાક બંદોબસ્ત સાથે આ તમામ દબાણોને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ બીજા દિવસે પણ યાત્રાધામ સોમનાથમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે અને સરકારી જમીન પરના વર્ષો જુના દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે.






