ભારતીય નૌકાદળે 28 અને 29 જાન્યુઆરીના રોજ માત્ર 24 કલાકમાં જ અરબી સમુદ્રમાં ચાંચિયાઓના બે મોટા હાઇજેકના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમિત્રાએ રવિવારે ઈરાની જહાજ FV ઈમાનને બચાવ્યા બાદ અન્ય એક ઓપરેશનમાં જહાજ અલ નૈમીને સોમાલિયન ચાંચિયાઓની ચુંગાલમાંથી બચાવી લીધું હતું. આ ઓપરેશનમાં ભારતીય મરીન કમાન્ડોએ પણ ભાગ લીધો હોવાના અહેવાલ છે.
ભારતીય નૌકાદળે એક નિવેદન જારી કરીને કહ્યું કે તેણે 29 જાન્યુઆરીએ અલ-નૈમીને બચાવવા માટે એક ઓપરેશન હાથ ધર્યું હતું. તેમાં સવાર તમામ 19 ક્રૂ મેમ્બર પાકિસ્તાની નાગરિક છે. જહાજને ઘેરી લીધા બાદ મરીન કમાન્ડોએ ઓપરેશન હાથ ધર્યું હતું અને જહાજમાંથી લૂંટારુઓના ભાગી જવાની પુષ્ટિ કરી હતી.
આ ઘટના કેરળના કોચીથી 800 માઈલ દૂર અરબી સમુદ્રમાં બની હતી. ચાંચિયાઓએ અહીં ઈરાનના ધ્વજવાળા જહાજ અને તેના ક્રૂ સભ્યોને બંધક બનાવ્યા હતા. આ પછી ભારતીય નૌકાદળે પોતાનું યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રા મોકલીને બધાને સુરક્ષિત બહાર કાઢ્યા. અધિકારીઓએ જણાવ્યું કે જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારત હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરેક જગ્યાએ કડક તકેદારી રાખે છે.