જૂનાગઢમાં બેન્ક એકાઉન્ટ અને કૌભાંડ બાબતમાં સરકારે વિવાદિત પી આઈ તરલ ભટ્ટ અને મંડળી વિરુદ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરવાની તૈયારી શરુ કરી છે. સૂત્રો પ્રમાણે હાલ તરલ ભટ્ટ અને મંડળી ભૂગર્ભમાં ઉતરી જઈને પોતાના આકાઓ સાથે મદદ માટે હાથ લંબાવી રહ્યા છે. ભાગેડુ જાહેર થયેલા બંને પોલીસ ઇન્સ્પેક્ટરોને આકાશ પાતાળમાંથી શોધી લાવવાનો મૌખિક આદેશ રાજ્ય પોલીસ વડા દ્વારા આપવામાં આવ્યો છે.
જુનાગઢ તોડકાંડથી ગુજરાત પોલીસની છબી ચારેકોર ખરડાઈ છે. જેથી પોલીસ હવે પોતાની છબી બચાવવા રાજ્ય પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. રાજ્ય પોલીસ વડાએ તમામ એજન્સીઓને ઉચ્ચ અધિકારીઓને મૌખિક સૂચના આપી છે કે, ભાગેડુ જાહેર થયેલા બંને પોલીસ ઇન્સ્પેક્ટરોને આકાશ પાતાળમાંથી પણ શોધી લાવો. ગુજરાત એટીએસ,CID ક્રાઈમ,SMC સહિતની રાજ્યની ટોચની એજન્સી રાજ્ય પોલીસ વડાની મૌખિક સૂચનાથી કામ પર લાગી ગઈ છે. તમામ અધિકારીઓ પોતાના નેટવર્કને સક્રિય કરી ફરાર આરોપીઓની ધરપકડ કરવા માટેની કવાયત હાથ ધરી છે. ફરાર પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ અને પીઆઇ એ. એમ. ગોહિલને ઝડપી લેવા માટે અન્ય રાજ્યોની પોલીસને પણ એલર્ટ કરવામાં આવી છે. ફરાર આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર એસોજીના પીઆઇ હાલ ભાગેડુ જાહેર થયા છે.
જુનાગઢના માણાવદરના સર્કલ પીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ એ એમ ગોહિલ તેમજ એસએસઆઈ દીપક જાની સહિતના સ્ટાફ દ્વારા કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહાર ધરાવતા બેંક એકાઉન્ટને ફ્રીઝ કરીને ઈડી અને ઈન્કમટેક્ષ વિભાગમાં રિપોર્ટ કરવાની ધમકી આપીને લાખો રૂપિયાનો તોડ કરવાના કેસમાં એટીએસ દ્વારા તપાસ શરૂ કરાયા બાદ જુનાગઢમાં એસઓજીની ઓફિસ, માણાવદરમાં આવેલી તરલ ભટ્ટની ઓફિસ અને જુનાગઢમાં આવેલા નિવાસ સ્થાન તેમજ અમદાવાદના સોલા સ્થિત મકાન પર તપાસ કરવામાં આવી હતી.