ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકાર ત્રણ જેટલા વિધેયક લાવવાની તૈયારીમાં હોય તેવા સંકેત મળી રહ્યા છે. બજેટ સત્ર દરમિયાન મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત ગણોત વહીવટ ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક લાવવાની તૈયારી કરી હોવાના સંકેત મળી રહ્યા છે.
વિધેયક મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા વિધેયક છે. આ વિધેયકથી સખાવતી સંસ્થાઓ એટલે કે, ટ્રસ્ટ પાસે જે જમીન છે તે જમીનને બિનખેતી કરવાનાં દ્વાર ખુલ્લાં થશે તેમ સૂત્રોનું કહેવું છે. જોકે આ બિલની ચોક્કસ જોગવાઈઓ શું છે તે જાહેર કરવામાં આવી નથી. જે કેબિનેટની મંજૂરી બાદ જાહેર થશે. સખાવતી સંસ્થાઓની કેટલીક જમીન બિન ખેતી થતી ન હતી. આથી તેમાં સુધારો કરવામાં આવ્યો છે અને હવે તે જમીન બિન ખેતી થાય તેવો સુધારો બિલમાં લાવવામાં આવી રહ્યો છે. ૩૦ જૂન, ૨૦૧૫ અથવા તે પહેલાં ખરીદેલી જમીન બિનખેતી કરવા માટે આ જોગવાઈ અમલમાં આવે તેવી શક્યતા છે.
રાજ્ય સરકાર દ્વારા બજેટ સત્રના શરૂઆતના દિવસોમાં આ બિલ લાવવામાં આવશે, જ્યારે બાકીનાં બે બિલ ફેબ્રુઆરીના અંતમાં લાવવામાં આવે તેવી શક્યતા છે. આ બજેટ સત્રના ડે ટુ ડેની કામગીરી ગોઠવાઈ ગઈ છે અને તેમાં ફેબ્રુઆરી મહિનામાં આવતા ત્રણ શનિવારના દિવસે પણ ગૃહની કામગીરી ગોઠવાઈ હતી. આ પછી ફેબ્રુઆરીમાં રાજ્યસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શનિવારના દિવસો દરમિયાન કામગીરી બંધ રાખીને તે દિવસોની કામગીરી અન્ય દિવસોએ ખસેડવા વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે. વિધાનસભાના સત્રમાં કયા દિવસે કયા પ્રકારની આગામી કામગીરી થશે તે નક્કી કરી નખાયું છે, જેમાં ૩ ફેબ્રુઆરીએ શનિવાર ૧૦ ફેબ્રુઆરીએ શનિવાર તેમ જ ૧૭ ફેબ્રુઆરીએ શનિવાર એમ ત્રણ દિવસ પણ બેઠક નિયત કરાઈ છે.