પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણીઓ માટે મતગણતરી ચાલુ છે. ગુરુવારે સવારે 8:30 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે 5:30 વાગ્યા સુધી ચાલ્યું હતું. મત ગણતરી વચ્ચે વલણ જોવા મળી રહ્યા છે. નવાઝ શરીફ લાહોરની NA-130 સીટ પરથી જીત્યા છે. તેમની સામે પીટીઆઈ સમર્થક યાસમીન રશીદ હતી. બંને વચ્ચે 55,981 મતનો તફાવત હતો. યાસમીન મોડી રાત સુધી આ સીટ પરથી આગળ ચાલી રહી હતી. નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે લાહોર NA-119 સીટ પરથી જીત મેળવી છે. પીટીઆઈ સમર્થક ઉમેદવાર શહેઝાદ ફારૂક અહીંથી હારી ગયા છે.
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 336 સીટો છે. જેમાંથી 265 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. બાકીની બેઠકો અનામત છે. પાકિસ્તાનમાં મુખ્યત્વે 3 પક્ષો વચ્ચે સ્પર્ધા છે. જેમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N), પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)નો સમાવેશ થાય છે.
મીડિયા અહેવાલો અનુસાર, અત્યાર સુધીના પ્રારંભિક વલણોમાં, ઈમરાનને સમર્થન આપતા અપક્ષ ઉમેદવારો 120 બેઠકો પર આગળ છે. ચૂંટણી પંચે પરિણામ જાહેર કરવામાં વિલંબ કર્યો. મતદાન દરમિયાન દેશમાં કેટલાક કલાકો સુધી મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ લગભગ બંધ રહી હતી. દરમિયાન, ન્યૂઝ ચેનલોએ તેમની વેબસાઈટ પરથી ચૂંટણી રિઝલ્ટ ટેલી હટાવી દીધી છે. ચૂંટણી પંચે પરિણામ જાહેર કરવાની શરૂઆત કરી છે.