ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંડર-19 વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં કાંગારૂ ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટના નુકસાને 253 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 43.5 ઓવરમાં 174 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ છઠ્ઠી વખત ચેમ્પિયન બનવાનું સપનુ ચકનાચૂર થઈ ગયું છે.
ઓસ્ટ્રેલિયાની ટીમે આપેલા 254 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ત્રીજી ઓવરમાં જ અર્શિન કુલકર્ણી 3 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જે બાદ મુશીર ખાન પણ 22 રન બનાવની પેવેલિયન ભેગો થઈ ગયો હતો. આમ એક પછી એક સતત વિકેટ પડતા આખી ટીમ 174 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે 50 ઓવરમાં 7 વિકેટે 253 રન બનાવ્યા હતા. બીજી વિકેટ માટે હ્યુજ વિબજેન અને હેરી ડિક્સન વચ્ચે 78 રનની ભાગીદારી થઈ હતી. જોકે, બંને ખેલાડીઓ ફિફ્ટી મારવાથી ચૂકી ગયા હતા. હરજસ સિંહે સૌથી વધુ 55 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગમાં ગુજરાતી બોલર રાજ લિંબાણીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. રાજે 10 ઓવરમાં માત્ર 38 રન આપીને ત્રણ વિકેટ ખેરવી હતી. જે બાદ નમન તિવારીને બે સફળતા મળી હતી. જ્યારે સૌમ્ય પાંડે અને મુશીર ખાનને એક- એક વિકેટ મળી હતી.