કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી બુધવારે વસંત પંચમીના પ્રસંગે શુભ મુહૂર્તમાં રાજસ્થાનથી રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે. સોનિયા ગાંધી સાથે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ કેસી વેણુગોપાલ પણ જયપુર જશે. તમામ નેતા દિલ્હીથી બે ચાર્ટર પ્લેનથી જયપુર પહોંચશે અને એરપોર્ટથી સીધા વિધાનસભા જશે.
સોનિયા ગાંધીના જયપુર આગમનને જોતા કોંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોને જયપુર બોલાવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનથી રાજ્યસભામાં 10 બેઠક છે. જેમાં ડૉ. મનમોહન સિંહ (કોંગ્રેસ) અને ભૂપેન્દ્ર યાદવ (ભાજપ)નો કાર્યકાળ 3 એપ્રિલ 2024માં પૂર્ણ થઇ રહ્યો છે. જ્યારે ડૉ. કિરોડીલાલ મીણા (ભાજપ) વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ રાજ્યસભા સાંસદના પદ પરથી રાજીનામું આપ્યું હતું. એવામાં રાજસ્થાનની ત્રણ રાજ્યસભા બેઠક પર આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે. ધારાસભ્યોના સંખ્યાબળના હિસાબથી ત્રણમાંથી બે બેઠક પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત નક્કી છે.
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ જાણકારી આપી કે તમામ ધારાસભ્યોને બુધવારે જયપુર આવવા માટે કહ્યું છે. રાજસ્થાનમાં કુલ 3 રાજ્યસભા બેઠક માટે ચૂંટણી યોજાઇ રહી છે. વિધાનસભામાં સંખ્યા બળના હિસાબથી બે બેઠક પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસની જીત નક્કી માનવામાં આવી રહી છે. એક બેઠક માટે 51 મત જોઇએ. જ્યારે કોંગ્રેસ પાસે 70 મત છે.