વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્ટિકલ 370 હટવાના ચાર વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં બદલાવની તસવીર દુનિયા સામે મુકશે. સાથે જ વિકસિત, સુરક્ષિત, શાંત અને સમૃદ્ધ રાજ્યની આગામી પાંચ વર્ષના વિકાસની રૂપરેખા પણ રજૂ કરશે. પીએમ મોદી જમ્મુના પ્રવાસ દરમિયાન મૌલાના આઝાદ સ્ટેડિયમમાં એક જનસભાને પણ સંબોધિત કરશે.
આ દરમિયાન 32 હજાર કરોડથી વધુ વિકાસ પરિયોજનાઓનું વડાપ્રધાન લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓ સ્વાસ્થ્ય, શિક્ષણ, રેલ, રોડ, વિમાન, પેટ્રોલિયમ સહિત કેટલાક ક્ષેત્ર સાથે સબંધિત છે. જમ્મુ શહેરમાં વડાપ્રધાન મોદીની વર્ષ 2013 બાદ આ બીજી રેલી છે. ડિસેમ્બર 2013માં તેમણે આ સ્ટેડિયમમાં રેલીમાં જમ્મુ કાશ્મીરમાં રાજકીય બદલાવ લાવવાની અપીલ કરતા ભાજપના પક્ષમાં મતદાન કરવાનો આગ્રહ કર્યો હતો.
વડાપ્રધાન મોદી IIM જમ્મુ, AIIMS સાંબા, જમ્મુનું ઉદ્દઘાટન કરશે. કાશ્મીરમાં પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન અને સંગલદાન સ્ટેશન તથા બારામુલા સ્ટેશન વચ્ચે રેલ સેવાને પણ લીલી ઝંડી બતાવશે. જમ્મુ એરપોર્ટના નવા ટર્મિનલ ભવન સિવાય જમ્મુને કટરા સાથે જોડનારા દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસના બે તબક્કા (44.22 કિલોમીટર) સહિત અન્ય રોડ પરિયોજનાની આધારશિલા પણ મુકશે.