ચીન ભૂટાન સાથે સરહદી વિવાદ પર વાતચીત કરી રહ્યું છે બીજી તરફ વિવાદિત વિસ્તારમાં ગામ પણ વસાવી રહ્યું છે. હોન્ગકોન્ગના સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીને ભૂટાન સરહદ પર ત્રણ ગામ વસાવ્યા છે. આ સિવાય ભારત અને ભૂટાન સરહદ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવાની યોજના બનાવી રહ્યું છે. ચીનની આવી હરકતોને કારણે જ ભારત સાથે તેના સબંધ બગડ્યા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે 18 ચીની નાગરિકોના પરિવાર હવે વિવાદિત વિસ્તારમાં બનેલા ઘરમાં પ્રવેશની રાહ જોઇ રહ્યાં છે. આ વિસ્તારને લઇને ભૂટાન સાથે ચીનનો લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સેટેલાઇટ તસવીરોમાં પણ ચીનના આ રીતના ગામની પૃષ્ટી કરી છે. ગત વર્ષે ડિસેમ્બરમાં તિબેટના શઇગાત્સેથી38 પરિવાર અહીં આવીને વસી ગયા હતા.
અમેરિકાની મેક્સાર ટેકનોલોજીની તસવીરોમાં પણ આ વિસ્તારમાં ગામ વસાવવાની પૃષ્ટી કરવામાં આવી હતી. ભૂટાન આ મામલે ન્યૂટ્રલ જોવા મળી રહ્યું છે. ભૂટાને કહ્યું કે ચીન સાથે વાતચીત કરીને થિમ્પૂ વિવાદને હલ કરવાનો પ્રયાસ ચાલુ છે. ભૂટાને ભારતની પ્રશંસા જરૂર કરી છે. ભૂટાનનું કહેવું છે કે ભારતના મોટા વિસ્તારમાં વિકાસ કામોમાં સહયોગ આપી રહ્યું છે.
2017માં ચીને સિલિગુડી કોરિડોર પાસે ડોકલામમાં રોડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તે બાદ ભારત સાથે ટકરાવ વધી ગયો હતો. ભારતના દબાણને કારણે તેને પોતાનો પ્લાન કેન્સલ કરવો પડ્યો હતો. રિપોર્ટમાં ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું કે ભૂટાન સરહદ પર કરવામાં આવી રહેલો વિસ્તાર ગરીબી નાબૂદી માટે શરૂ કરવામાં આવ્યો છે.