ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં બીજી સુનાવણી થશે. ગઇકાલે કોર્ટે મેયર ચૂંટણીના તમામ બેલેટ પેપર અને વીડિયો મંગાવ્યા હતા. CJI DY ચંદ્રચુડે કહ્યું કે તેઓ પોતે બેલેટ પેપરની તપાસ કરશે જેમાં છેડછાડનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહને કોર્ટમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત મેયરની ચૂંટણી નવેસરથી યોજવાને બદલે હાલના બેલેટ પેપરના આધારે જાહેર કરવાનો આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યું કે તેઓ સૂચન આપશે કે મેયર ચૂંટણીમાં વોટની ગણતરી તે ક્રોસ નિશાનને ઇગ્નોર કરીને કરવામાં આવે, જે પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહે પેનથી કર્યા છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને મંગળવારે કોર્ટમાં બેલેટ પેપર અને વીડિયો લાવવા માટે ન્યાયિક અધિકારીની નિમણૂક કરવા જણાવ્યું હતું. કોર્ટે વહીવટીતંત્રને ન્યાયિક અધિકારીઓ અને રેકોર્ડની સુરક્ષા માટે વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો હતો. કોર્ટ આજે બપોરે 2 વાગ્યે ચૂંટણીના સંપૂર્ણ વિડિયો અને બેલેટ પેપરની તપાસ કરશે.