પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી સાથે જોડાયેલી ઘટનાને લઇને તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખ વિરૂદ્ધ EDએ એક્શન લીધુ છે. EDએ મની લૉન્ડ્રિંગ કેસના આરોપો હેઠળ શાહજહાં શેખ પર કેસ નોંધ્યો છે. મળતી માહિતી અનુસાર, શાહજહાં શેખના ઘર અને અન્ય 6 જગ્યાએ તપાસ એજન્સીએ દરોડા પાડ્યા છે.
એક જૂની છેતરપિંડી કેસમાં ફરિયાદ નોંધવામાં આવ્યા બાદ ED તરફથી ફરિયાદ નોંધવામાં આવી હતી. ED હાવડા, બિરાતી, બિજયગઢ સહિત 6 સ્થળો પર તપાસ કરી રહી છે.
શાહજહાં શેખ જાન્યુઆરીથી ફરાર છે. 5 જાન્યુઆરીએ રાશન કૌભાંડ સબંધિત એક તપાસ અભિયાન દરમિયાન જ્યારે EDની ટીમ શાહજહાં શેખના ઘરે પહોંચી તો તેના સમર્થકોએ તપાસ એજન્સીની ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં EDના કેટલાક અધિકારી ઘાયલ થયા હતા. આ હુમલા બાદ પોલીસે કાર્યવાહી કરતા શાહજહાં શેખના સહયોગી શિબૂ હાજરા અને ઉત્તમ સરદારની ધરપકડ કરી હતી. જોકે, શાહજહાં શેખ ખુદ ગાયબ છે. પોલીસ આ મામલે અત્યાર સુધી 17 લોકોની ધરપકડ કરી ચુકી છે.
સંદેશખાલીમાં 9 ફેબ્રુઆરીએ વિવાદ થયો હતો. આ વિસ્તાર શાહજહાં શેખનો દબદબો ધરાવનારો છે. 8 ફેબ્રુઆરીએ સ્થાનિક મહિલાએ શાહજહાં શેખ અને તેના સમર્થકો વિરૂદ્ધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓએ આરોપ લગાવ્યો કે શાહજહાં શેખ અને તેના લોકો મહિલાઓનું યૌન શોષણ કરે છે. 9 ફેબ્રુઆરીએ પ્રદર્શનકારી મહિલાઓએ શાહજહાંના સમર્થક હાજરાના ત્રણ પોલ્ટી ફાર્મને સળગાવી દીધા હતા. મહિલાઓનો દાવો હતો કે તે સ્થાનિક ગ્રામીણો પાસેથી બળજબરી છીનવી લેવામાં આવેલી જમીન પર બન્યા હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલે પણ અહીંનો પ્રવાસ કર્યો હતો અને કહ્યુ હતું કે, સંદેશખાલીમાં સ્થિતિ ગંભીર છે.