લોકસભા ચૂંટણી માટે ભાજપે હવે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા તેજ બનાવી છે અને ગુજરાત સહિતના રાજયોમાં પક્ષના નિરીક્ષકોએ સેન્સ લીધા બાદ રાજય ભાજપના પાર્લીયામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ત્રણ નામોની પેનલ સાથે હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દિલ્હી જઈને પક્ષની મધ્યસ્થ ચુંટણી સમીતીની બેઠકમાં આખરી પસંદગીના નામ પર મંજુરીની મહોર મારશે. કાલે સાંજ સુધીમાં ગુજરાત સહિત દેશની 120 બેઠકોના ઉમેદવારોની જાહેરાત થઈ જશે તેવા સંકેત છે.
ગઈકાલે સાંજથીજ ગાંધીનગરમાં જે તે બેઠક સાથે જોડાયેલા રાજયના મંત્રી અને પ્રભારી મંત્રીના નિવાસે સંકલનની બેઠકો મોડીરાત્રી સુધી ચાલી હતી અને તેમાં નિરીક્ષકો મારફત જે સેન્સ લેવાઈ હતી તેના આધારે તૈયાર કરાયેલા રિપોર્ટ મુજબ પેનલ બનાવીને પાર્લીયામેન્ટ્રી બોર્ડ સમક્ષ રજુ કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપ નવા ચહેરાને ટિકીટ આપી રહી છે અને તેમાં અનેક આશ્ર્ચર્યકારક નામો પણ હોઈ શકે છે. પક્ષે આ ઉપરાંત દિલ્હીમાં પણ જે રીતે બેઠકો પર ઈન્ડીયા ગઠબંધને નામો જાહેર કર્યા છે તેની સામે હવે સીટીંગ સાંસદોની શકયતા અંગે ચકાસણી શરૂ કરી છે. કેન્દ્રીય ચુંટણી સમીતીની બેઠક આજે રાત્રીથી જ ચાલુ થઈ જશે અને 120 બેઠકો પર જે ચર્ચાની તૈયારી છે તેમાં સૂત્રોના જણાવ્યા મુજબ પક્ષ દ્વારા હવે ઝડપથી ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં નામો જાહેર થવા લાગશે અને આવતીકાલ સાંજ સુધીમાં ગુજરાતના નામો જાહેર થઈ જાય તેવી શકયતા છે.