દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન પ્રસંગે પ્રી-વેડિંગ શેરીમનીના જુદા જુદા કાર્યક્રમો યોજાયાઈ રહ્યા છે, ત્યારે મોટી ખાવડી અને આસપાસના વિસ્તારમાં ગીત-સંગીત- લોકડાયરા- જમણવાર સહિતના જુદા જુદા કાર્યક્રમો ચાલી રહ્યા છે, અને અંબાણી પરિવાર દ્વારા લાલપુરા પંથકના નવ ગામોમાં ધુમાડાબંધ ગામ જમાડવાના કાર્યક્રમોની શૃંખલા યોજાઈ રહી છે, ત્યારે ગઈકાલે બુધવારે સાંજે લાલપુર તાલુકાના જોગવડ ગામમાં સમગ્ર ગ્રામજનો માટેનો ભોજન સમારંભ યોજાયો હતો.
આ ભોજન સમારંભમાં ખુદ મુકેશભાઈ અંબાણી તેમજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતા, અને ગ્રામજનો દ્વારા તમામનું અદકેરું સ્વાગત કરીને લગ્ન પ્રસંગે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા મુકેશભાઈ અંબાણીને હાલારી પાઘડી પહેરાવીને સન્માનિત કરાયા હતા, જ્યારે અનંત અને રાધિકાને પુષ્પ ગુચ્છથી સન્માનિત કરાયા હતા. ત્યારબાદ સમગ્ર ગામજનો માટેની પ્રીતિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં ખુદ મુકેશભાઈ અંબાણી, અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ તેમજ બંનેના પરિવારો ઉપસ્થિત રહી ભોજન પીરસ્યું હતું, અને ગ્રામજનોના મીઠા મોઢા કરાવાયા હતા.