હવામાન વિભાગ દ્વારા 1થી 3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે આથી ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાથી શિયાળાએ વિદાય લીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ વરસાદ દસ્તક દેશે. તેમજ અરબી સમુદ્રમાં ઊંચાં મોજાં ઊછળશે.આ તરફ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી 1થી 3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં છૂટાછવાયા હળવા વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગ અનુસાર 1 માર્ચ રોજ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પાટણ સહિત સૌરાષ્ટ્રના કચ્છ, દેવભૂમિ દ્વારકા, અને ગીર સોમનાથમાં હળવા વરસાદની શક્યતા છે.