આજે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી છે. હર હર મહાદેવના નાદ સાથે શિવ ભક્તો મહાદેવની આરાધનામાં લીન બન્યા છે. સોમનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી જ લાંબી કતારો લાગી છે. આજે ખાસ સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર સાથે મહામૃત્યુંજય યજ્ઞ સહિતના પૂજા વિધિઓ પણ કરવામાં આવશે.
મહાશિવરાત્રીના પર્વે સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવભક્તોનું જાણે ઘોડાપુર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શિવભક્તો ભગવાન સોમનાથ મહાદેવના દર્શન માટે આતુર નજરે પડ્યા હતા. વહેલી સવારથી જ ભાવિકોની મોટી ભીડ સોમનાથ મંદિર અને પરિસરમાં જોવા મળી હતી. આ સાથે સોમનાથ મહાદેવ મંદિરને પણ રંગબેરંગી પુષ્પોથી સજાવવામાં આવ્યું છે. મંદિરના દ્વાર સ્થંભ સહિત કલાત્મક પુષ્પોના અનેરા સાજ શણગાર કરવામાં આવ્યા છે.