વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ડીજેના સંચાલકે પોલીસની નજરોથી બચવા ડીજે સ્પીકરોની અંદર ચોરખાનું બનાવી અંદર સંતાડેલો વિદેશ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. PCB પોલીસે વિદેશી દારૂ અને સ્પીકર સહીત સાડા છ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી લીધો હતો.
વડોદરા PCB પોલીસને માહિતી મળી હતી કે ફતેગંજ વિસ્તારમાં રહેતો પ્રદીપ ઉર્ફે પીન્ટુ ગવલી ડીજે સિસ્ટમની આડમાં દારૂનો વ્યવસાય કરે છે અને વિદેશી દારૂ પણ સપ્લાય કરે છે.પોલીસે પ્રદીપના ઘરે દરોડો પાડયો હતો. પહેલી નજરમાં પોલીસને ઘરમાંથી કઈ મળ્યું ન હતું. પોલિસને ઘરમાં જ મુકેલા ડીજે સ્પીકરમાં કશુંક અજુગતું મુકેલું નજરે પડ્યું હતું. જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં બુટલેગર પ્રદીપે ડીજે સ્પીકરની અંદર ચોરખાનું બનાવી વિદેશી દારૂની બોટલો સંતાડી હતી. પોલીસે બુટલેગર પાસેથી દારૂની બોટલો બહાર કઢાવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. કારણકે સ્પીકરોની અંદર એક બે નહીં પરંતુ સંખ્યાબંધ બોટલો મળી આવી હતી. પોલીસે બુટલેગર પ્રદીપ ગવલીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.