મહારાષ્ટ્ર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં 2.5 એકર જમીન ખરીદશે. આવું કરનાર આ પ્રથમ રાજ્ય છે. મહારાષ્ટ્રની શિંદે સરકાર જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે આ જમીન પર એક ગેસ્ટ હાઉસ – રાજ્ય ભવન બનાવશે. આ રાજ્ય ભવન 8.16 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.
મહારાષ્ટ્ર કેબિનેટે બુધવારે જમીન ખરીદવાની મંજૂરી આપી દીધી છે. રાજ્ય સરકાર શ્રીનગર ખાતે મધ્ય કાશ્મીરના બડગામમાં મહારાષ્ટ્ર ભવન બનાવશે. આ માટે શ્રીનગર એરપોર્ટ નજીક ઇચગામમાં 2.5 એકર જમીન નક્કી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર ભવન જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેતા રાજ્યના પ્રવાસીઓ અને અધિકારીઓને આવાસ અને અન્ય સુવિધાઓ પૂરી પાડશે. જમ્મુ-કાશ્મીર સરકારે મહારાષ્ટ્ર સરકારને 8.16 કરોડ રૂપિયાના બદલામાં જમીન લેવાની મંજૂરી આપી છે. ઘાટીમાં આ પહેલું રાજ્ય ભવન હશે.ગયા વર્ષે જૂનમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેઓ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાને મળ્યા હતા. આ પછી જ મહારાષ્ટ્ર ભવન માટે જમીન ખરીદવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને નાણાં પ્રધાન અજિત પવારે વિધાનસભામાં તેમના બજેટ ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે બે મહારાષ્ટ્ર ભવનોનું નિર્માણ કરશે. જેમાંથી એક શ્રીનગરમાં અને બીજી અયોધ્યામાં બનાવવામાં આવશે. રાજ્ય સરકારે બંને રાજ્ય ભવનો માટે રૂ. 77 કરોડ ફાળવ્યા છે.