લોકસભાની ચૂંટણીના પડધમ વાગવાના શરૂ થઈ ગયા છે. ગુજરાતમાં લોકસભાની પાંચ બેઠકમાં આવેલી વિધાનસભાની 15 બેઠક એવી છે, જેમાં પુરુષ કરતાં મહિલા મતદારોનું પ્રમાણ વધારે છે. લોકસભાની બેઠકની વાત કરવામાં આવે તો માત્ર દાહોદ બેઠકમાં પુરુષ કરતાં મહિલા મતદારોનું પ્રમાણ વધુ છે.
પુરુષ કરતાં મહિલા મતદારો વધુ હોય, તેમાં વલસાડમાંથી ધરમપુર-વાંસદા, નવસારીમાંથી ગણદેવી-નવસારી, બારડોલીમાંથી નિઝર-વ્યારા-મહુવા-માંડવી, ભરૂચમાંથી ડેડીયાપાડા, દાહોદમાંથી ફતેપુરા-જાલોદ-દાહોદ-ગરબાડા- દેવગઢબારિયા જેવી વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.
લોકસભાની દાહોદ બેઠકમાં કુલ 9.23 લાખ પુરુષ મતદારો સામે 9.41 લાખ મહિલા મતદારો છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2024માં પ્રસિદ્ધ થયેલી આખરી મતદાર યાદી પ્રમાણે રાજ્યમાં કુલ 4,94,49,499 મતદારો નોંધાયા છે. જે પૈકી 2,39,78,243 મહિલા મતદારો અને, 2,54,69,723 પુરૂષ મતદારો છે. ગુજરાતમાં 1503 જેટલા થર્ડ જેન્ડર મતદાર નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. દાહોદના ઉમેદવારની વાત કરીએ તો ફરી એકવાર જશવંત સિંહ ભાભોર પર ભાજપે વિશ્વાસ દાખવ્યો છે. તેમને ફરી એકવાર ટિકિટ આપીને દાહોદના ઉમેદવાર જાહેર કરાયા છે. જેના લીધે કોંગ્રેસ માટે હવે આ સીટ જીતવી મોટી મુશ્કેલી બની શકે છે. જ્યારે કોંગ્રેસે આ બેઠક પર અત્યાર સુધી તેમના ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. માહિતી અનુસાર ગત વખતે કોંગ્રેસે આ બેઠક પર બાબુ કટારાને ટિકિટ આપી હતી, જેમનો જશવંત સિંહ ભાભોર સામે 1,27,596 વોટથી પરાજય થયો હતો.