આરોપીએ કોર્ટમાં લગ્નનું બહાનું બતાવીને 45 દિવસની જેલમાંથી રજા માંગી હતી. જો કે તેનો પ્લાન ફ્લોપ થયો જ્યારે તેની પત્ની સાથેનો તેનો ફોટો કોર્ટ સામે આવ્યો. આરોપીએ આઠ વર્ષ પહેલા જ યુવતી સાથે લગ્ન કરી લીધા હતા, જે લગ્નના નામે તે જામીન માગી રહ્યો હતો.
30 વર્ષીય અનિકેત જાધવ અને તેના સહયોગીઓ ઓમકાર ચવ્હાણ (30)ના અપહરણ અને હત્યામાં સામેલ હતા. આરોપ એવો હતો કે ચવ્હાણે તેના મિત્ર અને સહઆરોપીની બહેનને કથિત રીતે હેરાન કર્યા હતા જેનો બદલો લેવા ચવ્હાણનું અપહરણ કરીને તેની હત્યા કરી હતી. એ પછી મૃતકની સોનાની વીંટી અને મોબાઈલ પોતાની સાથે લઈ ગયા. મૃતદેહનો ભુઇંજ સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર કરીને તેની રાખ કૃષ્ણા નદીમાં વહાવી દીધી જેથી કોઈ પુરાવા ન રહે.
પોલીસે કેસ નોંધી ડૉક્ટર સહિત અન્ય પ્રત્યક્ષદર્શીઓના નિવેદનના આધારે ધરપકડ કરીને આરોપો ઘડ્યા. પોલીસે આરોપીઓના મોબાઈલ ટાવર લોકેશન અને તેમના કોલ ડેટા રેકોર્ડ જેવા પુરાવા પણ એકત્રિત કર્યા હતા. જેમાં આરોપીઓ ઘટના પહેલા અને પછી સતત એકબીજાના સંપર્કમાં હોવાનું બહાર આવ્યું હતું.
જાધવ તરફથી હાજર રહેલા એડવોકેટ ચૈતન્ય પેંડસેએ જણાવ્યું હતું કે તેના લગ્ન એક છોકરી સાથે નક્કી કરવામાં આવ્યા છે. તેઓ સ્કૂલના સમયથી એકબીજાને ઓળખે અને છેલ્લા આઠ વર્ષથી બંને રિલેશનશિપમાં છે. પેંડસેએ જણાવ્યું હતું કે, તેમના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી આ દરમિયાન આરોપી જાધવની ધરપકડ થતા લગ્ન મોકૂફ રહ્યા હતા. વકીલે જાધવ માટે 45 દિવસના જામીન માંગ્યા જેથી તે યુવતી સાથે લગ્ન કરી શકે.
બીજી તરફ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર પીએસ ગાયકવાડે જામીન અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, જાધવ પહેલાથી જ તે છોકરી સાથે લગ્ન કરી ચૂક્યો છે. જેના માટે તે જેલમાંથી પેરોલ માગી રહ્યો છે. કોર્ટરૂમમાં સાબિતી માટે એક ફોટ મુકાયો હતો. જ્યાં તે જાધવ સાથે તેની પત્ની તરીકે જાહેર સમારંભમાં ગઈ હતી, તેના ગળામાં મંગળસૂત્ર પહેરેલું હતું. અને વાળમાં સેંથો પૂર્યો હતો. તેણે કહ્યું કે યુવતી તેની પત્ની તરીકે ઘણી વખત જેલમાં પણ મુલાકાત માટે ગઈ હતી. જેના માટે જેલ ડાયરી પણ રજૂ કરવામાં આવી હતી. જસ્ટિસ શિવકુમાર દિગેએ કેસની ગંભીરતાને ધ્યાનમાં લેતા આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી. જણાવી દઈએ કે જાધવ વિરુદ્ધ 15 કેસ નોંધાયેલા છે. આ કેસોમાંથી નવ કેસમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય કેસો હજુ પેન્ડીંગ છે.