ભારતમાં સોનાની દાણચોરીનો અનોખો કિમીયો. લખનઉમાં 30 દાણચોરો એરપોર્ટ પરથી ભાગતા કસ્ટમની સમગ્ર ટીમ સસ્પેન્ડ કરવામાં આવી. ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બે દિવસમાં 30 દાણચોરોના ભાગી જવા અને 62 દાણચોરોનું આગમન થયાની વિગતો સામે આવી. એરપોર્ટ પર થયેલ દાણચોરી મામલે આ ઘટસ્ફોટ થતા જ કસ્ટમ્સની આખી ટીમને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. તેમની સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
કસ્ટમ્સ આસિસ્ટન્ટ કમિશનર એકે સિંઘ સહિત આઠ અધિકારીઓ અને કર્મચારીઓને બુધવારે એરપોર્ટ પરથી હટાવીને હેડક્વાર્ટર સાથે જોડવામાં આવ્યા હતા. તેમની જગ્યાએ બીજી ટીમ તૈનાત કરવામાં આવી છે. ગુરુવારે દૂર કરાયેલા કસ્ટમ અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.