વડોદરાના રાજમહેલ રોડ પર આવેલી પોલો ક્લબ ખાતે આજે વડોદરા લોકસભાનું ભાજપનું બૂથ પ્રમુખ સંમેલન યોજાયું હતું. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના બૂથ પ્રમુખો અને કાર્યકરોને સંબોધન કર્યું હતું.
સી. આર. પાટીલે બૂથ પ્રમુખોને સંબોધતા કહ્યું હતું કે, ‘વાદ વિવાદમાંથી બહાર આવી જાઓ, એમની માનસિકતા ઠીક નહીં હોય, જેથી કંઇ બોલી ગયા હશે, પણ એની ચિંતા ન કરો, તમે તમારી માનસિકતા ઠીક રાખો’ ઉલ્લખનિય છે કે, વડોદરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાએ સોમવારે ભાજપ સંગઠન સામે બળાપો ઠાલવ્યો હતો અને સિનીયર નેતાઓની અવગણના કરવામાં આવતી હોવાનું નિવેદન આપ્યું હતું.
બૂથ પ્રમુખ સંમેલનનો સમય 7 વાગ્યાનો હતો, પરંતુ સી.આર. પાટીલ 8.30 વાગ્યે સંમેલનમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના બૂથ પ્રમુખો હાજર રહ્યા હતા. આ ઉપરાંત વડોદરા લોકસભા બેઠકના પ્રભારી ગોરધન ઝડફિયા, સાંસદ રંજનબેન ભટ્ટ સહિત ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.





