હવે ભક્તો અયોધ્યાના રામમંદિરમાં રામલલા સાથે સોનાના રામચરિતમાનસના દર્શન કરી શકશે. નવરાત્રિના પ્રથમ દિવસે ગર્ભગૃહમાં ધાર્મિક વિધિ મુજબ તેની સ્થાપના કરવામાં આવી છે. રામચરિતમાનસને રામલલાની મૂર્તિથી 15 ફૂટના અંતરે પથ્થરની શિલા પર મૂકવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ કેડરના પૂર્વ IAS લક્ષ્મી નારાયણ અને તેમની પત્નીએ રામમંદિર ટ્રસ્ટને રામચરિતમાનસ ભેટ કર્યું હતું.
રામચરિતમાનસ 1000 પાનાનું છે. વજન- 155 કિગ્રા. તેમાં 4 કિલો સોનું અને 151 કિલો કોપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરેક પેજ પર 24 કેરેટ સોનાનો ઢોળ ચઢાવ્યો છે. આ ઉપરાંત દરેક પાના પર 3 કિલો તાંબુ પણ લગાવવામાં આવ્યું છે.
વમ્મીદી બંગારુ જ્વેલર્સે 3 મહિનામાં રામચરિતમાનસ તૈયાર કર્યું છે. તેને બનાવવામાં લગભગ 5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ જ કંપનીએ નવા સંસદ ભવનમાં સ્થાપિત સેંગોલ (રાજદંડ) તૈયાર કર્યો હતો. રામલલાના પૂજારી સંતોષ કુમાર તિવારીએ જણાવ્યું કે રામચરિતમાનસને રામનવમી પર મંદિર ટ્રસ્ટને સોંપવામાં આવ્યું હતું. કેન્દ્રમાં ગૃહ સચિવ રહેલા એસ.લક્ષ્મી નારાયણે કહ્યું કે હું દાળ અને રોટલી ખાનાર વ્યક્તિ છું. પેન્શન પણ પૂરુ વપરાતું નથી. ઈશ્વરે મને જે કંઈ આપ્યું છે, તે તેમને પાછું આપ્યું છે. પ્રભુનું પુસ્તક તેમના ચરણોમાં અર્પણ કરીને મારું જીવન સફળ થયું.