ઈઝરાયેલ દ્વારા ગત સપ્તાહે સીરીયામાં ઈરાની દૂતાવાસ પર કરેલા મિસાઈલ સહિત હુમલાના પગલે હવે અમેરિકા સહિતના દેશો પણ એલર્ટ થઈ ગયા છે. ઈરાનનો હુમલો ભીષણ અને અત્યંત વિનાશક હશે તેવા સંકેત મળ્યા છે
ઈઝરાયેલના હુમલામાં ઈરાનની સેનાના એક ટોચના કમાન્ડર સહિત 13ના મોત થયા હતા અને તેથી ઈરાન સમસમી ગયું છે અને વળતો જવાબ આપવા તૈયારી કરી રહ્યું છે. આ અંગે જો બાઈડને આ હુમલો કેવો ભીષણ હશે તેવા પ્રશ્નના જવાબમાં કોઈ ગુપ્ત માહિતી જાહેર કરવાનો ઈન્કાર કરતા કહ્યું કે, આ હુમલાને રોકવા તેઓ ઈરાનને કહી રહ્યા છે પણ ઈરાન હવે વધુ રાહ જોશે નહી.
જો કે બીજી જ પળે તેઓએ કહ્યું કે અમો ઈઝરાયેલની રક્ષા માટે પ્રતિબદ્ધ છીએ અને ઈઝરાયેલને ટેકો આપશું અને ઈરાનને સફળ થવા દેશું નહી. ઈરાનના સંભવિત હુમલામાં ખાસ કરીને અમેરિકામાં મધ્યપુર્વમાં તેની એરડિફેન્સ સીસ્ટમને હાઈએલર્ટ પર મુકી છે અને ઈરાનના મિસાઈલ ડ્રોન જે ઈઝરાયેલ ભણી દાગવામાં આવશે તેને તોડી પાડવાના પણ આદેશ આપી દેવાયા છે તથા ઈઝરાયેલે પણ જાહેર કર્યુ છે કે જો અમારા પર સીધો હુમલો થશે તો અમો ઈરાનને તબાહ કરી દેશું.
આ સ્થિતિ વચ્ચે પશ્ચિમ એશિયામાં મોટા યુદ્ધની સ્થિતિથી ભારત પણ એલર્ટ થઈ ગયું છે અને સમુદ્રી માર્ગોમાં જયાં ભારતીય જહાજો પસાર થવાના છે અથવા હજુ માર્ગમાં છે તને પણ એલર્ટ કરીને સતત રડારમાં રહેવા સૂચના આપી છે. ઈરાન હુમલો કરે તો તેના સમર્થીત સીરીયા-યમનમાં આવેલા ઈઝરાયેલ વિરોધી સંગઠનો જે વારંવાર ઈઝરાયેલ પર મિસાઈલ રોકેટ-હુમલા કરી રહ્યા છે તેના પર પણ ઈઝરાયેલને નજર રાખવી પડશે અને તેથી યુદ્ધ વધુ વિસ્તરે તેવા સંકેત છે.
ઈઝરાયેલ-ઈરાનમાં ભારતીયોને સ્થાનિક દૂતાવાસમાં રજીસ્ટ્રેશન કરાવવા જણાવાયુ
ઈરાનમાં હાલ 4000 ભારતીયો, ઈઝરાયેલમાં 18500 ભારતીયો મોજૂદ છે. મોદી સરકાર જો યુદ્ધમાં ભયાનકતા આવે તો તેઓને ઉગારવાની યોજના બનાવી રહી છે. ફ્રાન્સ સહિતના યુરોપીયન દેશોએ પણ તેના નાગરિકોને આ યુદ્ધગ્રસ્ત દેશોથી દુર રહેવા જણાવ્યું છે.
મધ્ય પુર્વમાં ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની શકયતા વચ્ચે ભારત પણ એલર્ટ થયુ છે અને એક તરફ હાલ આ ક્ષેત્રના દેશોની મુલાકાત નહી લેવા ભારતીય નાગરિકોને ચેતવણી આપી છે. તો બીજી તરફ ઈરાન-ઈઝરાયેલ સહિતના દેશોમાં રહેલા ભારતીય નાગરિકોને તુર્તજ સ્થાનિક સ્તરે ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી તેમના પાસપોર્ટ સહિતની માહિતી સાથે રજીસ્ટ્રેશન કરાવવા જણાવાયુ છે જેની કટોકટીના સમયમાં તેઓના સંપર્ક થઈ શકે અને જરૂર પડે પરલીકર પણ થઈ શકે છે.