લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા માટે બુધવાર સાંજે 6 વાગ્યે પ્રચાર-પડઘમ શાંત થશે. મતદાનના 48 કલાક પહેલા સાર્વજનિક સભા, રોડ શો અને જુલૂસ કાર્યક્રમો પર રોક લાગી જશે. પ્રચાર-પ્રસારના અંતિમ દિવસે પીએમ મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી ચૂંટણીના રણમાં જીત માટે પુરી તાકાત લગાવશે. પ્રથમ તબક્કામાં 21 રાજ્યમાં 102 બેઠક પર મતદાન યોજાશે.
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે બંપર બહુમત સાથે જીત મેળવી હતી. 2024માં NDA 400 પ્લસના નારા સાથે પોતાના જૂના પ્રદર્શનને સારૂ બનાવવાના પ્રયાસમાં છે. બીજી તરફ INDIA ગઠબંધન પણ NDAના વિજય રથને રોકવાના પ્રયાસમાં લાગેલુ છે. ભાજપ સામે સૌથી મોટો પડકાર તે બેઠકો પર પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવાનો છે જ્યાં તેને 2019માં જીત મેળવી હતી.
દેશના 21 રાજ્યની 102 લોકસભા બેઠક પર 19 એપ્રિલે મતદાન થશે. પ્રથમ તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચ તરફથી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સવારે છ વાગ્યાથી મતદાન શરૂ થશે. પ્રથમ તબક્કાની 102 બેઠકમાં સૌથી વધુ બેઠક તમિલનાડુની છે. તમિલનાડુની 39 બેઠક પર મતદારો ઉમેદવારોના નસીબનો નિર્ણય કરશે. આ સાથે જ રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની 8, ઉત્તરાખંડની 5, અરૂણાચલ પ્રદેશની 2, બિહારની 4, છત્તીસગઢની 1, આસામની 4, મધ્ય પ્રદેશની 6, મહારાષ્ટ્રની 5, મણિપુરની 2, મેઘાલયની 2, મિઝોરમની 1, ત્રિપુરાની 1, પશ્ચિમ બંગાળની 3, જમ્મુ કાશ્મીર, અંદમાન-નિકોબાર, લક્ષ્યદ્વીપ અને પોડિચેરીની એ-એક-એક બેઠક પર મતદાન યોજાશે.






