ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. સૌથી વધુ વલસાડમાં 68.12 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું અમરેલીમાં 45.59 ટકા મતદાન થયું છે. મતદાન પૂર્ણ થતાં 266 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું છે. આ તરફ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપની હેટ્રિક સહિત ક્લીનસ્વિપનો દાવો કર્યો છે.
મતદાન પૂરું થતાં જ ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભાજપ 7 બેઠકો ગુમાવશે. રાજકોટમાં રૂપાલાના હાર્યા પછી પણ વિરોધ ચાલુ રહેશે. દાંતાના ઘરેડા ગામના મતદાન કેન્દ્ર પરથી ગેનીબેન ઠાકોરે CRPFના નકલી અધિકારીને પકડ્યો. પ્રકાશ ચૌધરી નામનો આ યુવક ભાજપ તરફી વોટિંગ કરાવતો હોવાનો આક્ષેપ થયો છે. આ તરફ ગેનીબેન અને કૉંગ્રેસના ટોળાએ માર માર્યાનો યુવકે આક્ષેપ કર્યો છે.
કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ લાલઘૂમ થયા. ગાંધીનગરમાં સેક્ટર-19ના બૂથ પર પોલિંગ એજન્ટ પાસે કમળના ચિહ્નવાળી પેન જોઈ ચૂંટણીપંચ સામે સવાલ ઉઠાવ્યા. આ તરફ વાસણ ગામમાં મતદાન અટકાવ્યાનો અને જામનગરમાં કૉંગ્રેસ કાર્યકરોને પોલીસ સ્ટેશનમાં બેસાડાયા હોવાનો આરોપ લગાવ્યો છે.