7 મેને મંગળવારે મતદાનના દિવસે એલીસબ્રીજ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે આવેલી ગુજરાત કોંગ્રેસની ઓફીસમાંલીગલ વિભાગનો કંટ્રોલ રૂમ તેમ જ સોશિયલ મિડિયા વોરરૂમમાં કામગીરી સવારે 9 વાગતાંની સાથે જ શરૂ થઇ ગયા હતા. તેમાંય બપોર સુધીમાં તો કોંગ્રેસનો મિડિયા રૂમ પણ જોડાયો હતો. કોંગ્રેસના નેતાઓની પણ અવરજવર ચાલુ થઇ ગઇ હતી. ત્રણેય વિભાગોમાં ફોનની ઘંટડીઓ રણકતી હતી. ફોન પૂરા થતાં જ એક પછી એક વિભાગોમાં કામો ચાલુ થઇ ગયા હતા. આમ એકબીજા વિભાગો વચ્ચે સંકલન ચાલી રહ્યું હતું.
કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો એલર્ટ મોડમાં જોવા મળ્યા હતા અને ચૂંટણીપંચને ભાજપ વિરૂદ્ધની 20થી વધુ ફરિયાદો કરી હતી.
ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલીને મતદાન કરવા ગયા તે રોડ શોને આચાર સંહિતા વિરુદ્ધનો ગણાવી ચૂંટણીપંચને ફરિયાદ કરાઈ હતી પણ ચૂંટણીપંચે એવો જવાબ આપ્યો કે, આની આગોતરી મંજૂરી લેવામાં આવી હતી. આ ઉપરાંત ઘાટલોડિયામાં આવેલી નાલંદા સ્કૂલના રૂમ નંબર-2માં વીવીપેટમાં વોટની સ્લીપ દેખાતી નથી ને નીકળતી પણ નથી, તેવું જણાવવામાં આવ્યું હતું. ખેડાના દસક્રોઈના બે બૂથમાં ગેરરીતિની ફરિયાદ કોંગ્રેસે કરી હતી. આ ઉપરાંત અમદાવાદના વેજલપુર, શાહપુર, મણીનગરમાં પણ ગેરરિતીની ફરિયાદ થઈ હતી. જામનગરમાં એલસીબીના પીઆઈ લગરિયા સત્તાનો દુરુપયોગ કરીને કોંગ્રેસ સમર્થકોની અટકાયત કરે છે, તે પ્રકારની ફરિયાદ કોંગ્રેસે કરી હતી. સાથે એવી પણ ફરિયાદ કરી કે, તમામ પોલિંગ બૂથ પર નિમાયેલા અધિકારીઓ અને એજન્ટોએ વોટિંગ દરમિયાન ભાજપના નિશાનવાળી પેન અને સાહિત્યનો ઉપયોગ કરીને આચાર સંહિતાનો ભંગ કર્યો છે. આ સિવાય પણ કોંગ્રેસે અનેક જગ્યાએ ઘાક-ધમકીની અને ઈવીએમ ખોટવાયાની ફરિયાદ કરી હતી.