પાકિસ્તાનના ગેરકાયદે કબ્જાવાળા પીઓકેના મીરપુર જિલ્લામાં ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે. પાકિસ્તાન સરકાર દ્વારા કરવેરામાં વધારો, વધતી મોંઘવારી અને વીજળીના દરમાં કરાયેલા વધારાના વિરોધમાં લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉ આ આંદોલન શનિવારે થવાનું હતું પરંતુ તે પહેલા જ પોલીસે શુક્રવારે 70થી વધુ નેતાઓની ધરપકડ કરી. આ કારણે શુક્રવારે જ લોકો રસ્તા પર ઉતરી આવ્યા.દેખાવો દરમિયાન ઘણાં વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. ટીયર ગેસના શેલ છોડવાને કારણે નજીકની શાળાની ઘણી વિદ્યાર્થીનીઓ પણ ઘાયલ થઈ છે.
પીઓકેમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ બંધનું એલાન જમ્મુ-કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. આંદોલન દરમિયાન લોકોએ પાકિસ્તાન સરકાર અને સેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં.