કેન્દ્ર સરકારનો મહત્વકાંક્ષી સ્માર્ટ મીટર પ્રોજેક્ટ સામે હવે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. પ્રારંભિક તબક્કે સુરત, વડોદરામાં ડીજીવીસીએલ, એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી શરૂ થઈ હતી. પરંતુ નવા આવેલા બીલો બમણાં આવતાં લોકો વિરોધ કરી રહ્યા છે.
સુરતમાં વિવિધ સોસાયટીમાં કુલ 11,951 ઘરોમાં સ્માર્ટ મીટર લાગી ગયાં છે. જોકે, જૂના મીટરમાં પ્રતિ દિવસ વીજ વપરાશનું સરેરાશ બિલ 35 રૂપિયા આવતું હતું, જે સ્માર્ટ મીટર લાગતાં 76 થઈ ગયું છે. જ્યારે બીજી બાજુ વડોદરામાં પાઇલટ પ્રોજેક્ટ હેઠળ 25 હજાર મીટર લગાવાયા હતા. પરંતુ, પ્રિપેઇડ ચુકવણી કરનારા વીજગ્રાહકોને થોડાક જ દિવસોમાં વધારે પૈસા કપાઈ જવાનો કડવો અનુભવ થયો છે. જેને લીધે છેલ્લા એક સપ્તાહથી લોકો વીજકચેરીએ વિરોધ કરી રહ્યા છે. જેને પગલે મીટર લગાવવાની કામગીરી પર હંગામી બ્રેક લગાવવાની સત્તાધીશોને ફરજ પડી હતી. વિરોધ પ્રદર્શનમાં રાજકીય પક્ષો પણ જોડાયા છે.