હરિયાણાના અંબાલાથી આજે વહેલી સવારે એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આજે એટલે કે શુક્રવાર વહેલી સવારે અંબાલામાં ભક્તોથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર અકસ્માતનો ભોગ બન્યો છે. પ્રાથમિક વિગતો મુજબ આ અકસ્માતમાં છ શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ સાથે લગભગ 15 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘટનાને લઈ હાલ અંબાલા પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે.
ઉત્તર પ્રદેશના ભક્તોથી ભરેલી આ ટેમ્પો ટ્રાવેલર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટના અંબાલાના એનડીઆઈ પ્લાઝા મોહરા પાસે જીટી રોડ પર બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, યુપીના બુલંદશહરના ભક્તો માતા વૈષ્ણો દેવી મંદિર જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની ટ્રાવેલર કાર ઉભી રહેલી ટ્રોલી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 લોકો મોતને ભેટ્યા છે. જેમાં કેટલાક બાળકો પણ સામેલ છે.