ચાર ધામના દ્વાર ખુલ્યા ત્યારથી 23 મે 2024 સુધીમાં કુલ 9,67,302 ભક્તો ચાર ધામના દર્શન કરી ચુક્યા છે. અત્યાર સુધીમાં ચારધામ યાત્રા માટે આવેલા 52 શ્રદ્ધાળુઓના મોત થયા છે. ચારધામ યાત્રા ચાલુ છે, ગયા વર્ષોની સરખામણીમાં રેકોર્ડબ્રેક સંખ્યામાં ભક્તો પહાડોમાં સ્થિત ચારેય ધામોની યાત્રા કરી રહ્યા છે. ભીડના કારણે વ્યવસ્થામાં પણ સમસ્યા આવી રહી છે, ત્યારે સામે આવ્યું છે કે ચારધામ યાત્રામાં અત્યારે સુધીમાં 52 લોકોના મોત થઈ ચુક્યા છે. ગઢવાલ કમિશનરે આ માહિતી આપી છે.
ચારધામ યાત્રા માટે એક અઠવાડિયાથી રોકાયેલા લોકોને યાત્રા પર મોકલવામાં આવી રહ્યા છે. હાલ ચારેય ધામોમાં યાત્રા સુચારૂ રીતે ચાલી રહી છે. યાત્રા વ્યવસ્થા સુધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રોકાવાની જગ્યાઓ પર વિશેષ સેક્ટર મેજિસ્ટ્રેટ તૈનાત કરવા સૂચના આપવામાં આવી છે. સેક્ટર મેજિસ્ટ્રેટ દર બે કલાકે સ્વચ્છતા વ્યવસ્થાનો રિપોર્ટ મોકલશે.
ગઢવાલ કમિશનરે જણાવ્યું કે 10 મે 2024ના રોજ કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા અને 12 મેના રોજ બદ્રીનાથના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા. ત્યારથી 23 મે 2024 સુધીમાં કુલ 9,67,302 ભક્તો ચાર ધામના દર્શન કરી ચુક્યા છે. 1,79,932 શ્રદ્ધાળુઓએ યમુનોત્રી ધામ, 1,66,191 ગંગોત્રી ધામમાં, 4,24,242 કેદારનાથના અને 1,96,937 શ્રદ્ધાળુઓએ બદ્રીનાથ ધામના દર્શન કર્યા છે. અગાઉના વર્ષોની સરખામણીએ આ વર્ષે પ્રથમ પખવાડિયામાં ભક્તોની સંખ્યા લગભગ બમણી છે. ગઢવાલ કમિશનરે કહ્યું કે ચારધામ યાત્રામાં ભીડ વ્યવસ્થાપન માટે જરૂર પડશે ત્યારે જ NDRF અને ITBPની મદદ લેવામાં આવશે.