રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં નિર્દોષ બાળકો, યુવાનો સહિત 30થી વધુ લોકો અગનજવાળામાં ભડયું થઇ જવાના ચકચારભર્યા ગોઝારા કાંડને લઈ ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પિટિશન અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી જાહેરહિતની રીટમાં હાઇકોર્ટનો લંબાણપૂર્વકનો ચુકાદો અપલોડ કરી દવાયો છે. જેમાં જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવન એમ.દેસાઈની ખંડપીઠે નિર્દોષ લોકોના મોતની આ કરૂણાંતિકાની અતિ ગંભીર નોંધ લઇ રાજ્યભરના તમામ ગેમ ઝોન તાત્કાલિક અસરથી બીજો હુકમ ના થાય ત્યાં સુધી બંધ કરાવવા ફરમાન કર્યું છે.
હાઇકોર્ટે રાજ્યના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશરોને તેમના વિસ્તારમાં ચાલતા ગેમઝોન કાયદાકીય જોગવાઇ અને નિયમોની પૂર્તતા કરે છે કે કેમ તે સહિતના મુદ્દે ગેમ ઝોન સાથેની વિગતવાર માહિતી રજૂ કરવા હુકમ કર્યો હતો. રાજ્ય સરકાર તરફથી પણ આ અંગે હાઈકોર્ટને હૈયાધારણ આપવામાં આવી હતી. વધુમાં ખૂબ જ મહત્ત્વના આ કેસમાં રાજ્યના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસરને પણ ફાયર સેફ્ટીના ઈશ્યુને લઈ પક્ષકાર તરીકે જોડવામાં આવતાં હાઇકોર્ટે રાજ્ય સરકાર, સબંધિત તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેના ચીફ ફાયર ઓફિસરોને નોટિસ જારી કરી હતી.
હાઈકોર્ટે રાજ્યના ગેમિંગ ઝોનમાં સીજીડીસીઆરના નિયમોનું પાલન થયું છે કે કેમ..?, ફાયર એનઓસી મેળવાઈ છે કે નહીં, કે તેમના આવા કન્સ્ટ્રક્શનને લઈ સ્ટ્રકચરલ સ્ટેબીલિટી વગેરે મેળવાયા છે કે કેમ ? એટલું જ નહી, સંબંધિત જિલ્લા કલેક્ટર અને મામલતદાર પાસેથી ગુજરાત પોલીસ એક્ટ, ઇન્ટરટેઈનમેન્ટ ટેક્સ એક્ટ વગેરે હેઠળ પણ કાયદેસર લાઈસન્સ મેળવાયા છે કે કેમ? તે સહિતના મુદ્દે સત્તાધીશો પાસેથી ખુલાસા સાથે જવાબ માગ્યો છે.
ફાયર નોર્મ્સના અભાવમાં ગેરકાયદે બાંધકામ નિયમિત ના થઇ શકે
હાઇકોર્ટે બહુ અગત્યના મુદ્દો નોંધતા જણાવ્યું કે, ટીઆરપી ગેમીંગ ઝોન જૂન- ૨૦૨૧માં ચાલુ થયાના ત્રણ વર્ષ બાદ તેના દ્વારા ગૃડા એકટની જોગવાઈ હેઠળ કન્સ્ટ્રકશન (સ્ટીલના પતરાની દિવાલો સાથેનું ફેબ્રીકેટેડ સ્ટીલ ફ્રેમ સ્ટ્રકચર) નિયમિત કરવા કરવા રાજકોટ મનપામાં એપ્લાય કર્યું હતું. હાઇકોર્ટે હુકમમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, ટીઆરપી ગેમિંગ ઝોનનું સ્ટ્રકચર એ કોઇપણ હિસાબે ટેમ્પરરી સ્ટ્રકચર કહી શકાય નહી કારણ કે, અદાલતે બિલ્ડીંગ અને ટેમ્પરરી સ્ટ્રકચરની કાયદામાં એ વ્યાખ્યાને ધ્યાનમાં લીધી છે.
છેલ્લા પાંચ વર્ષમાં બનેલી દર્દનાક ગોઝારી દુર્ઘટનાઓને ટાંકી
જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવન એમ.દેસાઈની ખંડપીઠે ગુજરાત રાજયમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી દર્દનાક ગોઝારી દુર્ઘટનાઓને ટાંકી હતી. જેમાં 2019માં સુરતના તથશિલા આર્કેડમાં લાગેલી ભીષણ આગમાં ૨૨ વિદ્યાર્થીઓ ભડથું થઈ ગયા હતા, તા.8-8-2020ના રોજ અમદાવાની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં આઠ કોરોના દર્દીઓના મોત નીપજ્યા હતા. તા.07-01-2023ના રોજ શાહીબાગની ઓર્ચિડ ગ્રીન સોસાયટીના 11મા માળે લાગેલી આગમાં છોકરી ભુંજાઇ હતી. તા. 30-10-2022ના રોજ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મોત નીપજ્યા, રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગની દુર્ઘટના અને છેલ્લે વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોની મોતની ઘટનાનો સમાવેશ થાય છે. એ પછી રાજકોટની આ ગેમિંગ ઝોન અગ્નિકાંડ દુર્ઘટના કે જેમાં હજુ પણ ભોગ બનેલાના મૃતદેહો તેમના પરિજનોને મળ્યાં નથી.