ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને ચેક રિપબ્લિકથી અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, નિખિલ ગુપ્તાને 16 જૂનના રોજ અમેરિકાના બ્રુકલિનમાં મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં લાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને આજે ન્યૂયોર્ક કોર્ટમાં હાજર કરવામાં આવશે.
30 જૂન, 2023ના રોજ ચેક રિપબ્લિક પોલીસે યુએસ એજન્સીઓના ઇનપુટ સાથે નિખિલની ધરપકડ કરી હતી. આ પછી, ચેક રિપબ્લિક કોર્ટે નિખિલ ગુપ્તાની અમેરિકા પ્રત્યાર્પણ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી, ત્યારબાદ તેના પ્રત્યાર્પણનો રસ્તો સાફ થઈ ગયો હતો. અમેરિકાની સરકારે આરોપ લગાવ્યો હતો કે ન્યૂયોર્કમાં પન્નુ પર ઘાતક હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આમાં ભારતનો હાથ હતો. આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. જો કે, હુમલો કયા દિવસે થવાનો હતો તે જણાવવામાં આવ્યું નથી.
જૂન 2023માં પીએમ નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત પછી જ અમેરિકન અધિકારીઓએ ભારત સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. 22 નવેમ્બર 2023 ના રોજ પ્રકાશિત ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલમાં આ વાત સામે આવી છે. અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં 29 નવેમ્બરે ન્યૂયોર્ક પોલીસની ચાર્જશીટ સામે આવી હતી. જેમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. તેમાં લખ્યું છે – ભારતના એક પૂર્વ CRPF ઓફિસરે તેને પન્નુની હત્યાનો પ્લાન ઘડવા કહ્યું હતું.






