ભજનલાલ પરિવાર બાદ વધુ એક પૂર્વ મુખ્યમંત્રીનો પરિવાર ભાજપમાં જોડાવા જઈ રહ્યો છે. તોશામના ધારાસભ્ય કિરણ ચૌધરી, જેઓ હરિયાણા વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય પક્ષના નેતા હતા અને તેમની પૂર્વ સાંસદ પુત્રી શ્રુતિ ચૌધરીએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલવામાં આવેલા તેમના રાજીનામાના પત્રોમાં કોંગ્રેસના બંને નેતાઓએ હરિયાણામાં કોંગ્રેસને એક માણસની પાર્ટી ગણાવી છે. તેમનો સંદર્ભ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા તરફ હતો. કિરણ ચૌધરી અને શ્રુતિ ચૌધરી બંને બુધવારે નવી દિલ્હીમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. તેમણે પોતાના સમર્થકોને દિલ્હી પહોંચવાનો સંદેશ આપ્યો છે. મંગળવારે સાંજે ભાજપની ટોચની નેતાગીરી સાથે મંત્રણાને આખરી ઓપ અપાયા બાદ કિરણ ચૌધરીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. શ્રુતિ ચૌધરી હરિયાણા કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ પણ છે. કિરણ ચૌધરી તોશામના ધારાસભ્ય છે, એકવાર તેઓ ભાજપમાં જોડાશે તો કોંગ્રેસ એક ધારાસભ્ય ગુમાવશે.