રાઉઝ એવન્યુ કોર્ટે ગુરુવાર, 20 જૂને દિલ્હી લિકર પોલિસી કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. તેઓ શુક્રવારે જેલમાંથી બહાર આવી શકે છે. બીજી તરફ, EDએ જામીન સામે અપીલ કરવા માટે 48 કલાકનો સમય માગ્યો છે. કોર્ટે કહ્યું હતું કે આવતીકાલે ડ્યૂટી જજ સમક્ષ આ દલીલો થઈ શકે છે.
અગાઉ EDએ કોર્ટમાં કહ્યું હતું કે જામીન પર 48 કલાકનો સ્ટે લાદવો જોઈએ, પરંતુ વેકેશન બેન્ચે એનો ઇનકાર કર્યો હતો. દિલ્હીના મંત્રી આતિષીએ કહ્યું, ‘સત્યમેવ જયતે.’ કોર્ટે તેમને 1 લાખ રૂપિયાના જામીન બોન્ડ ભરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણી માટે 21 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા. કેજરીવાલને 1 એપ્રિલે તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા. રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે સતત બીજા દિવસે જામીન અરજીની સુનાવણી સવારે થઈ હતી. ન્યાયાધીશ ન્યાયબિંદુની વેકેશન બેન્ચે ઇડી અને કેજરીવાલની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
કોર્ટે રાહત આપતાં પહેલાં કેજરીવાલ પર 2 શરત લગાવી 1. તેઓ તપાસમાં અવરોધ કે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે નહીં. 2. જરૂર પડ્યે કોર્ટમાં હાજર થશે અને તપાસમાં સહકાર આપશે.