રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયા બાદ હવે ચોમાસુ આગળ વધતા રાજ્યના અન્ય ઝોનમાં પણ ઘોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી હતી. ત્યારે આજે વહેલી સવારથી જ મધ્ય ગુજરાતમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં વહેલી સવારથી અંધારપટ છવાયો છે. તેમજ કેટલાક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. જ્યારે વડોદરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાતથી જ વરસાદ વરસવાનું શરૂ થયું છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.
વડોદરા શહેરમાં લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ સર્જાયો છે. શહેરના વિવિધ વિસ્તારમાં હાલમાં વરસાદી માહોલને લઇ વહેલી સવારના સમયે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં 30 તાલુકામાં એકથી લઈ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. સૌથી વધું જૂનાગઢના મેંદરડા તાલુકામાં 88 MM, દ્વારકાના ખંભાળિયામાં 71 MM,છોટા ઉદેપુરના સંખેડામાં 64 MM, સુબિરમાં 63 MM અને તલાલામાં 62 MM સહિત રાજ્યના અન્ય તાલુકામાં પણ વરસાદ જામ્યો હતો.
આજે ક્યા ક્યા જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા
રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના મોટાભાહના સ્થળોએ તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવના ઘણા સ્થળોએ તેમજ કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.