સોશિયલ મીડિયાના યુગમાં ઈન્ટરનેટના માધ્યમથી લગ્ન થતાં તો ઘણા જોયા હશે. પરંતુ, એ જ રીતે લગ્નજીવનનો અંત પણ કાયદેસર રીતે આવે તેવું સામે આવ્યું છે.શાસ્ત્રોક્ત વિધીથી લગ્નસંબંધે જોડાયેલા દુબઈવાસી પતિ તથા સુરતની પરણીતા વચ્ચે છેલ્લાં ચારેક વર્ષોથી ખટરાગે ચડેલા દાંપત્યજીવનનો અંત વિદેશવાસી પતિને વોટ્સ એપ કાઉન્સેલિગ કરાવીને આવ્યો હોવાની વિગતો સાંપડી છે.
મૂળ સુરતના નાનપુરાના વતની તથા યુએઈ શારજાહ દુબઈમાં નોકરી કરતાં મહેશભાઈના લગ્ન જાન્યુઆરી-2020માં ઉમાબેન સાથે થયા હતા.પરંતુ લગ્નના પ્રારંભિક સમયગાળા બાદ સંયુક્ત પરિવારમાં રહેવા ગયેલા ઉમાબેને પતિ-સાસરીયા પ્રત્યે જવાબદારી નિભાવતા હતા.પરંતુ થોડા સમય બાદ દંપતિ વચ્ચે અલગ અલગ વિચારધારાના કારણે મતભેદો મનભેદ સુધી પહોંચી ગયા હતા.છેલ્લાં ચાર ચાર વર્ષોથી ખટરાગે ચડેલા દાંપત્યજીવન બાદ પતિ સાથે એક છત નીચે રહેવું શક્ય ન લાગતાં પત્ની ઉમાબેને તા.14-4-2022ના રોજથી પોતાના પતિનું ઘર છોડીને પિયરની વાટ પકડી હતી.છેલ્લાં એકાદ વર્ષોથી અલગ અલગ રહેતા પતિ-પત્ની વચ્ચેના ખટરાગને દુર કરવા વડીલોએ સમાધાનના એકથી વધુ પ્રયત્નો કર્યા હતા.પરંતુ બંને પક્ષકારો વચ્ચે કોઈ સાથે રહેવા માટેની કોઈ સમજુતી ન થતાં પરસ્પર સંમતિથી સુરતની ફેમીલી કોર્ટમાં લગ્નવિચ્છેદ માટે દાવો કર્યો હતો.
અલબત્ત પતિ મહેશભાઈ દુબઈ રહેતા હોઈ પતિ તરફે અશ્વિન જોગડીયાએ પાવર ઓફ એટર્ની બનાવી કોર્ટમાં પાવરદારને હાજર કર્યા હતા.અલબત્ત હિન્દુ મેરેજ એક્ટ મુજબ પક્ષકારો વચ્ચે પરસ્પર સંમતિથી લગ્નવિચ્છેદનો દાવો કર્યો બાદ છ મહીનાનો સમયગાળો આપીને દંપતિને કાઉન્સેલિંગ કરાવવું ફરજિયાત છે. પરંતુ અરજદાર પતિના પાવરદાર હોવા છતાં વિદેશવાસી પતિ મહેશભાઈનું કાઉન્સેલર દ્વારા કાઉન્સેલિંગ અનિવાર્ય હતુ જેથી વોટ્સએપ વીડીયો કોલીંગથી કાઉન્સેલર દ્વારા દુબઈ વાસી પતિ મહેશભાઈનું કાઉન્સિેલિંગ કરવામાં આવ્યું હતુ.જેનો રિપોર્ટ ફેમીલી કોર્ટમાં રજુ કરતાં કોર્ટે બંને પક્ષકારોની રજુઆતોને ધ્યાને લઈને લગ્નવિચ્છેદના હુકમનામા પર મંજુરીની મહોર મારતો હુકમ કર્યો હતો.