ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમે-ધીમે વધી રહી છે. કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ પણ થયો છે. ત્યારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ છે તો કેટલાક વિસ્તારોમાં ગરમી અને બફારો થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દરિયાકાંઠાના વિસ્તારોમાં 35થી 45 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. સાથે જ પવનની ગતિ વધીને મહત્તમ 55 કિમી પ્રતિકલાકની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે. ભારે વરસાદની આગાહીને પગલે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRFની કુલ સાત ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ડીપ્લોય કરવામાં આવી છે. આ સિવાય બીજી 8 ટીમને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.
આજે 26 જૂન બુધવારે આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાથે જ આગાહીમાં એમ પણ જણાવ્યું છે કે આખા રાજ્યમાં ભારે ગાજવીજની સંભાવના છે ગુરુવારે 27 જૂને પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય આખા રાજ્યમાં ભારે ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગે કરેલી આગાહીમાં જણાવ્યું છે કે 28 જૂન શુક્રવારે આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદ થશે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સાથે જ આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી પણ આપવામાં આવી છે. શનિવાર 29 જૂન માટે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, દમણ, દાદરા નગરી હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ આ દિવસે પણ રાજ્યભરમાં ભારે ગાજવીજની સંભાવના છે.