હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના વિવિધ જિલ્લાઓના વિવિધ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જો કે, ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ તેની પૂર્વ નિર્ધારિત તારીખ કરતાં ચાર દિવસ વહેલું આવ્યું હતું પરંતુ નવસારીમાં બાદ ગુજરાત રાજયમાં આગળ વધ્યું હતું. 1 જુન થી 27 જુન વચ્ચે ગુજરાત રાજ્યમાં 52 મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો છે. સામાન્ય રીતે આ તારીખ સુધીમાં રાજ્યમાં 90 મિલિમીટર વરસાદની આવશ્યકતા હોય છે એટલી કે આ વર્ષે 48 ટકા વરસાદની ઘટ પડી છે.
મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આજે 28 જૂનથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..અમદાવાદ અને વડોદરા સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે વડોદરાના જરોદ સ્થિત NDRFના હેડક્વાટર્સ ખાતેથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ટીમો મોકલવામાં આવી રહી છે. વધુ 1 ટીમ અમરેલી ખાતે મોકલાઈ છે. આ અગાઉ 4 ટીમોને ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર અને નર્મદા જિલ્લામાં મોકલવામાં આવી હતી. આ પહેલા વલસાડ, રાજકોટ અને કચ્છ જિલ્લામાં 3 ટીમો મોકલવામાં આવી હતી. એટલે અત્યાર સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લામાં 8 ટીમો તૈનાત રાખવામાં આવી છે.